ઇશાન રૂપાલી, સાબરકાંઠા: હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીની બદલી લઇને ગઇકાલે સાંજે એટલે બુધવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. જોકે અન્ય મહિલા કર્મચારીઓએ તેને બચાવી લેતા આખો મામલો શાંત થયો હતો.
આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે સાબરકાંઠાનાં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલા કર્મચારીની બદલી હિંમતનગરથી અંબાજી પાસે આવેલા પોશિના પોલીસ સ્ટેશન ખાતે થઇ હતી. જેના કારણે મહિલાએ ગઇકાલે એટલે બુધવારે મોડી સાંજે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ચેમ્બરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
મહિલા કર્મચારી પોતાના દુપટ્ટાથી પીએસઆઈની ચેમ્બરનાં પંખા પર લટકીને અંતિમ પગલું લેવા જઇ રહી હતી. ત્યારેજ તેની સાથી કર્મચારીઓએ મહિલાને રોકીને આખો મામલો શાંત પાડ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા આખા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી.
આ પહેલા ગત સપ્ટેમ્બરમાં વડોદરાનાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરનાર પીએસઆઈનું નામ સંજયસિંહ જાડેજા હતું. પીએસઆઈ સંજય સિંહ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સંજયસિંહ જાડેજા આ પહેલા રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જાણવા મળ્યું હતું કે સંજયસિંહ જાડેજાની ઈમાનદાર અને મહેનતુ કોન્સ્ટેબલ તરીકેની છાપ હતી. મળેલ માહિતી અનુસાર પીએસઆઈ સંજયસિંહ જાડેજા વડોદરાની અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા.