બાયડ: રાજ્યમાં વધુ એક વખત જૂનિયર ક્લાર્કનું પેપર લીક થઇ ગયું છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. આ પેપર ફોડવામાં સંડોવાયેલા 15 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા 15 લાકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પેપર લીકના કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ કેસના તાર ગુજરાત બહાર સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. પકડાયેલા 15 આરોપીઓમાં કેતન બારોટ નામનો આરોપી પણ છે જે અગાઉ પરીક્ષાના પેપર લીક કરવાના કેસમાં આરોપી રહી ચૂક્યો છે.
આરોપી વૈભવી જીવન જીવે છે
બાયડના આરોપી કેતન બારોટની કાળી કુંડળી ખૂલી છે. યુવાનોના ભવિષ્યને બગાડનારો કેતનનું જીવન વૈભવી છે. યુવાનોનું નસીબ બગાડી કેતન બારોટ નામનો આરોપી પોતાનું નસીબ ચમકાવે છે. કેતન બોગસ એડમિશન મામલે પણ જેલમાં જઇ આવ્યો છે. આરોપી કેતન દિલ્હીની તિહાડ જેલમાં રહી ચૂક્યો છે. આ આરોપી દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધો ચલાવે છે. તે નવ વર્ષથી એડમિશનનાં નામ વિદ્યાર્થીઓનાં જીવનને બગાડી રહ્યો છે. આ આરોપી વૈભવી કારોનો શોખીન છે.
પેપર લીકમાં બિહાર-ઓરિસ્સા અને ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત બહારની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાયું હતું. હૈદરાબાદની પ્રિન્ટીંગ પ્રેસની અંદરથી પેપર લીક કર્યું હોવાની એન્ટી ટેરસ્ટિ સ્કવોડ (ATS)ને પ્રાથમિક કડી મળી હતી. પેપર લીક મુદ્દે ગુજરાત ATSએ મોડી રાત્રે 2 વાગ્યે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં મુખ્ય સૂત્રધાર પ્રદીપ નાયક, શેખર નામનો શખસ તથા કેતન બારોટ સહિત 15 શખસની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે પકડેલા આરોપીઓ અલગ-અલગ રાજ્યના છે. જ્યારે વડોદરાના ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને સ્ટેક વાઇઝ ટેકનોલોજીના સંચાલક છે.
ગુજરાતમાં આજે રદ્દ થયેલા જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિવિધ સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળ્યા છે.
આ કારણે રાજ્યભરમાં ઉમેદવારો હોબાળો કરી રહ્યા છે અને ભારે રોષ જોવા મળી રહ્યો છે.