સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1951થી 1973 સુધી કોંગ્રેસનો દબદબો હતો. વર્ષ 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ સાબરકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા
prantij assembly constituencyસાબરકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1951થી 1973 સુધી કોંગ્રેસનો દબદબો હતો. વર્ષ 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ સાબરકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા.
Gujarat Assembly election 2022 : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે, ત્યારે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાશે એવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે. ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ અને કોંગ્રેસ પૂરતી સીમિત નથી.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સત્તાપક્ષ ભાજપ તરફથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. કોંગ્રેસે પણ આ ચૂંટણી માટે કમર કસી લીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અલગ-અલગ રણનીતિ બનાવીને કામ કરી રહ્યુ છે. ચૂંટણીના શંખનાદની વચ્ચે આજે અમે તમને પ્રાંતિજ વિધાનસભા બેઠક (prantij assembly Sear) વિશે માહિતી આપી રહ્યા છીએ.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં પ્રાંતિજ વિધાનસભા બેઠક 33મા ક્રમાંકે છે. પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર સાબરકાંઠા લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાએ જયસિંહજી ચૌહાણને હારનો સ્વાદ ચખાડ્યો હતો. વર્ષ 1990થી વર્ષ 2007 સુધી એટલે કે, 5 ટર્મ સુધી પ્રાંતિજ બેઠક પર ભાજપનો દબદબો હતો. વર્ષ 1990 અને 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ ઝાલાએ જીત મેળવી હતી. વર્ષ 1998 એને 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડે જીત મેળવી હતી. તો વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જયસિંહજી ચૌહાણે આ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો હતો.
25 વર્ષ પછી કોંગ્રેસે જીત મેળવી અને 5 વર્ષ બાદ ફરી હાર
નવા સીમાંકન અનુસાર પ્રાંતિજ બેઠકમાં સમાવિષ્ટ તલોદ તાલુકાને અગાઉ એક પણ વખત વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ મળ્યું નહોતું. આ કારણોસર તત્કાલિન સમયે કાર્યકરોમાં કચવાટ ઊભો થયો હતો. આ બેઠક પર કોંગ્રેસે નો રિપિટની થિયરી અપનાવીને જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસને સમર્પિત એવા મહેન્દ્રસિંહ કચરસિંહ બારૈયાને ટીકીટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને 74,581 અને તેમના પ્રતિસ્પર્ધી અને ભાજપના ઉમેદવાર તથા રાજય કક્ષાના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણને 68,297 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયા 6,284 મતની સરસાઇથી વિજયી બન્યા હતા.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ગજેન્દ્રસિંહ પરમાર
ભાજપ
2012
મહેન્દ્રસિંહ બારૈયા
કોંગ્રેસ
2007
જયસિંહજી ચૌહાણ
ભાજપ
2002
દીપસિંહ રાઠોડ
ભાજપ
1998
દીપસિંહ રાઠોડ
ભાજપ
1995
વિરેન્દ્રસિંહ ઝાલા
ભાજપ
1990
વિરેન્દ્રસિંહ ઝાલા
ભાજપ
1985
ગોવિંદભાઈ પટેલ
કોંગ્રેસ
1980
મગનભાઈ પટેલ
JNP(JP)
1975
દીપસિંહ રાઠોડ
IND
1972
ગોપાલદાસ પટેલ
કોંગ્રેસ
1967
એન. એ. ઝાલા
SWA
1962
શાંતુભાઈ પટેલ
કોંગ્રેસ
પ્રાંતિજ મતદારોના સમીકરણ
પ્રાંતિજ વિધાનસભા બેઠક પર કુલ 3,61,533 મતદારો છે. આ મતદારોમાંથી 1,26,209 પુરુષ મતદારો છે અને 1,17,138 સ્ત્રી મતદારો છે.
સાબરકાંઠા લોકસભા ચૂંટણી
સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1951થી 1973 સુધી કોંગ્રેસનો દબદબો હતો. વર્ષ 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ સાબરકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. આઝાદીથી લઈને અત્યાર સુધીમાં 12 ચૂંટણીમાં કોગ્રેસે જીત મેળવી છે. વર્ષ 1991માં ભાજપ પહેલીવાર વિજેતા બન્યું હતું. રામાયણ સિરિયલમાં રાવણ તરીકે લોકપ્રિય બનેલા અરવિંદ ત્રિવેદી ભાજપના ઉમેદવાર તરીકે સાબરકાંઠા બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1996માં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નીશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતાં.
સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં હિંમતરનગર, ઈડર, ખેડબ્રહ્મા, ભીલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ એમ કુલ સાત વિધાનસભા બેઠકો છે, જેમાંથી કૉંગ્રેસ પાસે ખેડબ્રહ્મા, ભિલોડા, બાયડ અને મોડાસા એમ ચાર બેઠક છે, જ્યારે ભાજપ પાસે હિંમતનગર, ઈડર અને પ્રાંતિજ એમ ત્રણ બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા સામે ભાજપના દિપસિંહ રાઠોડનો મુકાબલો હતો. કોંગ્રેસ માટે આ બેઠક ખૂબ જ મજબૂત ગણવામાં આવતી હતી.
આ બેઠક પરથી વર્ષ 2014ની ચૂંટણીમાં દિપસિંહ રાઠોડે કોંગ્રેસના બાપુને હારનો સ્વાદ ચખાડ્યો હતો. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપિટ કર્યા હતા. દીપસિંહ રાઠોડે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને હરાવ્યા હતા.
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રાજકીય કારકિર્દી
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાના વકતાપુર ગામના રહેવાસી છે, તેમ જ વકતાપુર ગ્રામ પંચાયતના સરપંચથી તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ બન્યા બાદ તેમને ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકેની કામગીરી અદા કરી હતી. તેઓ સાબરકાંઠા સહકારી બેંકના ડિરેક્ટર પણ રહી ચૂક્યાં છે.
ગજેન્દ્રસિંહ પરમારે જિલ્લાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા તલોદ માર્કેટયાર્ડના ચેરમેનની જવાબદારી પણ નિભાવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા.
રાજયમાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ સાબરકાંઠાના તલોદ- પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો નવા મંત્રીમંડળમાં રાજયકક્ષાના પ્રધાન તરીકે સ્થાન મળ્યુ છે. એક દાયકા બાદ પ્રાંતિજ તલોદના ધારાસભ્યનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તલોદ વિધાનસભાના કામો થવાની આશા છે.
કાયદાની જાળમાં ફસાયા ગજેન્દ્રસિંહ પરમાર
ચાંદખેડાની એક મહિલાએ પ્રાંતિજના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગંભીર આરોપ મુક્યો હતો. મહિલાએ ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુક્યો હતો કે, લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, રાજકીય દબાણ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતી હતી.
ગજેન્દ્રસિંહ પરમારે આ તમામ આરોપોને નકારી દીધા છે અને જણાવ્યું છે કે, અરજદાર મહિલાએ રાજકીય અદાવત રાખીને ખોટા આરોપ મુક્યા છે અને ફરિયાદ કરી છે. ભાજપમાંથી ટીકીટ ન મળવાને કારણે તે બ્લેકમેઈલ કરી રહી છે. મહિલાએ તેના ભાઈ સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિણીત યુવક સાથે લગ્ન કર્યા છે.