Modasa Farmer Death: અરવલ્લીના મોડાસામાં રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતનું મોત થઈ ગયું છે. વૃદ્ધ ખેડૂત સવાર સુધી પરત ના આવતા પરિવારજનો સવારે ખેતરમાં ગયા હતા જ્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ પહેલા રાજકોટમાં ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.
અરવલ્લીઃ રાજકોટ બાદ અરવલ્લીમાં ખેડૂતનું ઠંડીથી મોત થયું હોવાની ખબર આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનું પ્રમાણ રહેવાની સંભાવના વચ્ચે વધુ એક મોતની ઘટના બની છે. આ વખતે 57 વર્ષના ખેડૂતના મોતની ખબર આવી છે. આ પહેલા ગઈકાલે રાજકોટના જાળીયા ગામમાં વાડીએથી બાઈક લઈને પરત આવી રહેલા ખેડૂતના મોતની ઘટના બની હતી. અરવલ્લીની ઘટના અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂત લવજીભાઈ વીરસંગભાઈનું ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયું હોવાની વિગતો મળી રહી છે. મહત્વનું છે એક્સપર્ટ દ્વારા વૃદ્ધ વ્યક્તિને વધુ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
લવજીભાઈના સ્વજનોએ જણાવ્યું કે તેઓ રાત્રે લાઈટ ના હોવાથી ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા અને ઠંડીના કારણે તેમનું મોત થઈ ગયું હતું. વહેલી સવાર સુધી ઘરના મોભી પરત ના આવતા સ્વજનો તેમને શોધવા માટે ખેતરમાં પહોંચ્યા હતા.
જ્યારે સ્વજનો ખેતરમાં પહોંચ્યા ત્યારે લવજીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્વજનોનું કહેવું છે કે વીજળી ના હોવાથી તેઓ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. હવે આ મામલે વધુ તપાસ બાદ મૃત્યુ પાછળનું શું કારણ છે તે સામે આવશે.