ઓરીના રોગના કારણે વાર્ષિક 3 હજાર બાળકો મૃત્યું પામતા હોય છે જેના ભાગરૂપે રાજ્યભરમાં ઓરી રૂબેલા વિરોધી રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ ચલાવી રહ્યાં છે. ત્યારે ઇડર તાલુકાના ફીંચોડ હાઇસ્કૂલમાં ખોડમ ગામની 15 વર્ષિય કિશોરી સ્નેહા જીતેન્દ્રસિંહ રાઠોડને રસી આપવામાં આવી હતી. રસી લીધા પછી 30 કલાકમાં કિશોરીનું મોત નીપજ્યું છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર કિશોરી સાથે 577 બાળકોને રસી આપવામાં આવી હતી.
ઇડર તાલુકાના ખોડમ ગામમાં ઓરી-રૂબેલાની રસી લીધા બાદ 30 કલાક પછી 15 વર્ષિય કિશોરીનું મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. પરીવારજનોના જણાવ્યાનુસાર રસી લીધા બાદ કિશોરીને ચક્કર, ઊંઘ આવી હતી અને ત્યારબાદ પેટમાં દુ:ખાવા સાથે ઉલટીઓ શરૂ થઇ હતી. જે પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા દરમિયાન મોત નીપજ્યુ હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે રૂબેલાના વાયરસથી તાવ પણ આવતો નથી. પ્રોટીનથી રીએક્શન આવવાનુ હોય તો મહત્તમ અડધા પોણા કલાકમાં આવી જાય છે. આમ તો આ ઘટનાને અંગે સમગ્ર પંથમમાં ચકચાર મચી ગયો છે. જો પરિવારજનોએ દિકરીનુ પી.એમ કરાવ્યુ હોત તો મોત રસીથી થયુ છે કે અન્ય કોઈ કારણથી તેની જાણ થઇ જાત.
કિશોરીના પિતાએ આ અંગે જણાવતા કહ્યું કે, 'રસીના કારણે તે આખી લાલ થઈ ગઈ હતી. સવારમાં શરીર પીળું પડી ગયું હતુ. તેને બીજી કોઈ તકલીફ ન હતી પંરતુ રસી આપ્યા પછી થયુ હોય એવુ લાગે છે.'
સાબરકાંઠાના આરોગ્ય અધિકારી,મનીષ ફેન્સીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ રસી આપ્યા પછી એવો કોઈ રોગ માલુમ પડતો નથી કે જેના કારણે કોઈને હોસ્પીટલાઈસ કરવા પડે. પ્રોટિનની એલર્જી હોય તો ખંજવાળ આવે છે અથવા તો ભુખ્યા પેટે હોય તો થોડીવાર માટે આંખે અંધારા આવે છે. બાકી કોઇ આડઅસર થતી નથી.
આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે જો રીએક્શન આવે તો તે આ રસી આપ્યાંના એક કલાકમાં જ આવી જાય. પરંતુ આ કિશોરીને રસી આપ્યાંના 30 કલાક પછી તબિયત બગડી છે. પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે બાળકીને આ રસીને કારણે મૃત્યું નથી થયું.
આણંદમાં પણ તબિયત લથડવાના સમાચાર ઓરી અને રૂબેલાની રસીના કારણે આણંદના પેટલાદના બોરીયા રાસ ગામે 4 બાળકોની તબિયત લથડવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમને તાવ સાથે માથું દુઃખતું હોવાની ફરિયાદ હતી. બાળકોને પેટલાદ સિવિલમાં દાખલ કરાયા છે.
છોટાઉદેપુરમાં પણ બાળકીની તબિયત લથડી કવાંટના ડુંગરગામ ગામમાં પણ ઓરી રૂબેલાની રસી લેનાર બાળકીની તબિયત લથડી હતી. ડુંગરગામની પ્રાથમિક શાળામાં ઓરી-રૂબેલાની રસી આપવામાં આવી હતી. બાળકીને રસી આપ્યા બાદ શરીરે ચાંઠા પડી ગયા હતા અને ચક્કર આવતા તે બેહોશ થઇ ગઇ હતી. જે બાદ તેને સારવાર માટે કવાંટના દવાખાને લઈ જવાઈ હતી.