Mustufa Lakdawala,Rajkot : દર વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા સમાજમાં મહિલાઓનું પ્રભુત્વ વધે, મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. દર વર્ષે શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
ત્યારે આ વર્ષે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 6 માર્ચે રાજકોટમાં ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી’ વિષય પર વક્તવ્યનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ હાજરી આપશે. આ ઉપરાંતખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મહિલા ટ્રસ્ટી અનારબેન પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે 6 માર્ચે બપોરે 3 વાગ્યાથી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત થશે.આ કાર્યક્રમમાં સુરતના રિચ થિંકર શ્રીમતિ અંકિતાબેન મૂલાણી ઉપસ્થિત રહીને ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી’ વિષય પર વક્તવ્ય આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં વધુને વધુ મહિલાઓ ઉપસ્થિત રહે તેવી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગર અને જૂનાગઢમાં પણ ઉજવાશે વિશ્વ મહિલા દિવસ
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ જામનગરના સહયોગથી શ્રી ખોડલધામ જિલ્લા મહિલા સમિતિ- જામનગર દ્વારા તારીખ 5 માર્ચે મુળજીભાઈ બાવનજીભાઈ રાણપરીયા લેઉવા પટેલ પાર્ટીંમાં મા ખોડલના ભવ્ય અને દિવ્ય લાપસી મનોરથનું આયોજન કરાયું છે. સાથે જ સફળ મહિલાઓનું સન્માન, લોક ડાયરો અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત જૂનાગઢમાં 5 માર્ચને રવિવારના રોજ સાંજે 4થી 6 શિવમ પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘નારી શક્તિને નમન’ કાર્યક્રમનું આયોજન શ્રી ખોડલધામ મહિલા સમિતિ- જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શ્રી ખોડલધામ મેરેજ બ્યૂરોનું સંચાલન, ગરબા સ્પર્ધા, સમયાંતરે મહિલા સશક્તિકરણ અને આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન, મહિલાઓ તણાવમુક્ત રહે તે માટે પિકનિકનું આયોજન, ગ્રામ્ય સ્તર સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પ્રવૃત્તિઓને પહોંચાડી મહિલાઓને જાગૃત કરવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.