Home /News /rajkot /Rajkot: એક સમયે આત્મહત્યાનો વિચાર કરનારા મહિલા બન્યાં 181 'અભયમ'ના પ્રથમ મહિલા પાયલોટ

Rajkot: એક સમયે આત્મહત્યાનો વિચાર કરનારા મહિલા બન્યાં 181 'અભયમ'ના પ્રથમ મહિલા પાયલોટ

181

181 'અભયમ'ના એકમાત્ર મહિલા પાયલોટ

રાજકોટમાં એક મહિલા પાયલોટ ડ્રાઈવિંગ કરે છે. જેનું નામ છે ભાનુબેન મઢવી. એક સમયે પરિસ્થિતિ નબળી હોવાથી ભાનુબેનને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ આજે પોતે અન્ય મહિલાઓને આ પ્રકારનું પગલું ભરતા રોકી રહ્યા છે

    Mustufa Lakdawala, Rajkot: રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 181 હેલ્પલાઈન અભયમ (Abhayam) ગાડી ચલાવવામાં આવે છે. પરંતુ આ ગાડી પર હંમેશા તમને પાયલોટ તરીકે પુરૂષો જ જોવા મળતા હશે. પરંતુ રાજકોટમાં એક મહિલા પાયલોટ ડ્રાઈવિંગ કરે છે. જેનું નામ છે ભાનુબેન મઢવી. એક સમયે પરિસ્થિતિ નબળી હોવાથી ભાનુબેનને આપઘાત કરવાનો વિચાર આવ્યો હતો. પરંતુ આજે પોતે અન્ય મહિલાઓને આ પ્રકારનું પગલું ભરતા રોકી રહ્યા છે.

    નાનાપણથી જ પાયલોટ બનવાનો શોખ હતો

    ભાનુબેન મઢવીએ જણાવ્યું હતું કે, હું અને મારા માતા સાથે રહીએ છીએ. ગુજરાતની પ્રથમ મહિલા છું જે 181માં પાયલોટ (Gujarat's first woman pilot) તરીકે નોકરી કરું છું. જેમાં બાળ સુરક્ષા તરફથી મને એવોર્ડ મળ્યો છે. અમારી 24 કલાકની ડ્યુટી હોય છે. હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે મને વિચાર આવ્યો હતો કે મારે પણ સરકારી ઇમરજન્સી વાહન ચલાવવું છે. આ માટે મેં મારા પપ્પાને કહ્યું કે ડ્રાઈવિંગ શીખવાડો પણ તેઓ કહેતા કે તમે તમારી જાતે શીખો. મારા પિતા ગાડી ચલાવતા ત્યારે હું તેની બાજુમાં બેસતી હતી.

    નાઈટ શિફ્ટમાં અનેક પડકારો ઝીલવા પડે છે

    ભાનુબેને વધુમાં જણાવ્યું હતું કે, મારું સપનું પોલીસ બનવાનું હતું. પણ પરિસ્થિતિને કારણે અમે ભણી શક્યા નહીં. પછી મને ડ્રાઈવિંગનો સખત શોખ જાગ્યો અને અત્યારે પણ ડ્રાઈવિંગ જ કરું છું. મારે હજી 181ના પાયલોટથી આગળ જવાનો શોખ છે. નાઈટ શિફ્ટમાં ઘણા પ્રકારના પડકારો આવે છે. જેમ કે કોઈ પીધેલી હાલતમાં હોય તેમનો સામનો કરવો પડે છે. કોઈ પીડિતા બહેન હોય તેને અમારે લઈ જવા પડે, સમજાવવા પડે છે. હું મારો જ દાખલો બતાવીને કહું કે જો બહેન એક મહિલા ઘણું બધું કરી શકે છે.

    આ પણ વાંચો: રાજકોટમાં નેશનલ ગેમ્સની તડામાર તૈયારીઓ શરૂ, 2600થી વધુ ખેલાડીઓ લેશે ભાગ

    પિતાનું અવસાન થતા આપઘાતનો વિચાર આવ્યો

    ભાનુબેનના પિતાનું અવસાન થયું ત્યારે બે ભાઈ અલગ રહેવા ચાલ્યા ગયા હતા. ભાનુબેન અને તેના માતા ઓશિયાળા બની ગયા હતા. એક તરફ પિતા અને ભાઈઓએ કરેલું દેણું કેવી રીતે ચૂકવવું તે ચિંતા કોરી ખાતી હતી. એસ સમયે ઘર પણ વેચવા માટે કાઢ્યું હતું. એવામાં ભાનુબેન અને તેની માતાએ આપઘાત કરી લેવા સુધીનો વિચાર કરી લીધો હતો. પરંતુ ભાનુબેને હાર્યા વિના પરિસ્થિતિનો સામનો કર્યો અને આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો. બાદમાં 181માં પાયલોટ તરીકે નોકરી મળ્યા બાદ ભાનુબેનને હિમ્મત વધુ વધી અને આજે તેઓ આપઘાત કરવા જતી મહિલાઓને પોતાનું ઉદાહરણ આપી બચાવી લે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 181 Abhayam, Pilot, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन