Home /News /rajkot /Rajkot: વડાપ્રધાનના વક્તવ્ય દરમિયાન ખાલી થયેલા બે ડોમનું શું છે સત્ય? જાણો હકીકત
Rajkot: વડાપ્રધાનના વક્તવ્ય દરમિયાન ખાલી થયેલા બે ડોમનું શું છે સત્ય? જાણો હકીકત
ખાલી થયેલા બે ડોમનું શું છે સત્ય?
Rajkot: વડાપ્રધાનના વક્તવ્ય દરમિયાન પાંચ પૈકી બે જેટલા ડોમ ખાલી ખમ થઈ ગયા હતા. તેમજ રોડ શોમાં પણ ગણી શકાય તેટલી જ મેદની હાજર હતી. આ પાછળનું કારણ શું છે તે જાણવું અત્યંત જરૂરી છે. વર્ષ 2017ની સરખામણીએ 2022નો રોડ શો ફ્લોપ જેવો રહ્યો!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા ગમે તે ઘડીએ લાગુ થઈ શકે છે. બીજી તરફ રવિવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ તમામની વચ્ચે ગુજરાત રાજ્યમાં રાજકારણમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યો છે. આ તમામની વચ્ચે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ શહેરમાં એક રોડ શો યોજવામાં આવ્યો હતો. તેમજ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કાર્યક્રમ અંતર્ગત જનસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના વક્તવ્ય દરમિયાન પાંચ પૈકી બે જેટલા ડોમ ખાલી ખમ થઈ ગયા હતા. તેમજ રોડ શોમાં પણ ગણી શકાય તેટલી જ મેદની હાજર હતી. આ પાછળનું કારણ શું છે તે જાણવું અત્યંત જરૂરી છે.
2017ની સરખામણીએ 2022નો રોડ શો ફ્લોપ જેવો રહ્યો!
રાજકોટની હાલની પરિસ્થિતિ સમજતા પૂર્વે 2017 જુનમાં યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમો તેમજ રોડ શોનું આંકલન કરવું જરૂરી છે. વર્ષ 2017માં જૂન મહિનામાં 29 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ શહેર ખાતે બે જેટલા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા હતા. જેના કારણે એરપોર્ટથી લઇ રેસકોર્ષ મેદાન સુધી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ એક અન ઓફિસિયલ યોજવામાં આવેલા રોડ શો જેવા દ્રશ્યો એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધી જોવા મળ્યા હતા.
અન ઓફિસિયલ રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન રેસકોર્સ ખાતે યોજવામાં આવેલા દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે જો રાજકોટે મને ગાંધીનગર ન મોકલ્યો હોત તો આજે હું દેશની ગાદી પર વિરાજમાન ન હોત. આ તમામની વચ્ચે આજીડેમ થી લઈ એરપોર્ટ સુધી રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શો ન ભૂતો ન ભવિષ્યતિ માફક યોજાયો હતો. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માત્ર એરપોર્ટથી લઈ રેસકોર્સ મેદાન સુધી 1.25 કિમી જેટલો જ રોડ શો યોજવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ શોમાં 10,000 થી પણ વધુ જન સંખ્યા હાજર નહોતી.
2022નો રોડ શો સંખ્યાની દ્રષ્ટિએ ફ્લોપ!
ભાજપના નેતાઓના કહેવા મુજબ રોડ શોમાં 60 જેટલા સ્વાગત સ્ટેજ રાખવામાં આવ્યા હતા. આ તમામ સ્ટેજ પર સરેરાશ 100 વ્યક્તિઓ હાજર રાખવામાં આવે તો પણ 6,000થી વધુ વ્યક્તિઓ સ્વાગત સ્ટેજ પર હાજર ન રહી શકે. બીજી તરફ રોડ શોમાં સ્ટેટ સિવાય 4,000ની વ્યક્તિ હાજર હોય તો પણ આંકડો 10,000ને પાર પહોંચતો નથી. આમ એકંદરે 2017ની સરખામણીમાં 2022 માં યોજવામાં આવેલો રોડ શો સંખ્યાની દ્રષ્ટિએ ફ્લોપ ગણી શકાય. સવાલ અહીંયા ઉભો થઈ શકે આખરે શા માટે 2017ની સરખામણીએ 2022માં રોડ શો ફ્લોપ રહ્યો? શા માટે વર્ષ 2017ની જેમ રોડ શોમાં 10,000 ની જગ્યાએ તેનાથી પણ વધુ જન મેદની ને હાજર રાખવામાં ન આવી? શું રોડ શોમાં વધુ મેદની એકઠી થઈ હોત તો તેનો લાભ કોઈ માત્ર એક જ પદાધિકારીને મળે તેવું હતું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. દૈનિક અખબારોમાં સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા કે, વોર્ડ વાઇઝ 3,000ની મેદની લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ એન્ડ ઓફ ધ ડે જે દિવસે કાર્યક્રમ હતો તે દિવસે વોર્ડ વાઇસ 3,000 નહીં પરંતુ માત્ર 700થી લઈ 1000 જેટલી જ વ્યક્તિઓને સભા સ્થળ સુધી લાવવામાં આવી હતી. સત્તાધારી પક્ષો સાથે જોડાયેલા એક આગેવાને નામ ન લખવાની શરતે વાત કરતા જણાવ્યું હતું કે, અગાઉ અમને 3,000 નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત 60 જેટલી બસ દ્વારા 3,000 જેટલા લોકોને કાર્યક્રમ સ્થળે લઈ જવાના હતા.
દોડવું હતું અને ઢાળ મળ્યો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સફળ થાય તો તેનો શ્રેય રાજકોટ શહેર ભાજપના સેનાપતિ સહિતના પહેલી હરોળના પદાધિકારીઓના ભાગે જાય તેમ હતો. ત્યારે ભૂતકાળમાં પોતાના તરફથી અમિત દ્રષ્ટિ ન રાખનારા નેતાઓએ આ કાર્યક્રમમાં ફરજિયાત નહીં પરંતુ મરજીયાત પણે જેટલું કામ થઈ શકે તેટલું કામ કરવાનું નક્કી કર્યું હતું. યોગાનુયોગ વડાપ્રધાન નો કાર્યક્રમ તેના નિર્ધારિત સમય કરતા મોડો શરૂ થયો હતો. વડાપ્રધાન કાર્યક્રમ સ્થળ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં સંધ્યા ટાણું પણ થઈ ગયું હતું. ત્યારે ગામડામાં સંધ્યા ટાણું થતાં વાળુ બનાવવાનો સમય શરૂ થઈ જતો હોય છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન જ્યારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા તે સમયે તેમના ડાબા હાથ તરફ રહેલા બે જેટલા એક બાદ એક ખાલી થવા લાગ્યા હતા.
જે બે ડોમ ખાલી થવા લાગ્યા હતા તેમાં ઔદ્યોગિક એકમોમાંથી બોલાવવામાં આવેલા મજૂરો હતા. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો હતા. તેવા લોકો કે જે બપોરના એક વાગ્યાથી પોતાના ઘરેથી વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે આવવા માટે નીકળી પડ્યા હતા. બીજી તરફ તેઓને ભીતિ પણ હતી કે કાર્યક્રમ પૂર્ણ થશે તો તેઓને અહીંથી બસ સુધી ચાલવામાં પણ ટ્રાફિક નડશે. રોજિંદા સમયે જે સમયે વાળું કરવાનો સમય હોય તેની પણ ચિંતા ગ્રામ્ય ની જનતાને સતાવી રહી હતી. તેના કારણે વડાપ્રધાનના વક્તવ્ય સમયે જ એક બાદ એક કાફલો ઉઠતા જોત જોતામાં બે જેટલા ડોમ ખાલી ખમ થઈ ગયા હતા.
રાજકોટમાં સરકારી કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ પણ નબળી પુરવાર થઈ!
તાજેતરમાં જ વડાપ્રધાનના ચાર જેટલા કાર્યક્રમ કવર કરવાનો મોકો મળ્યો હતો. જે અંતર્ગત પ્રથમ કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો હતો. જે કાર્યક્રમ પાર્ટીનું નહીં પરંતુ સરકારી હોવાનું સામે આવ્યું હતું. જે કાર્યક્રમમાં પણ મુખ્ય સ્ટેજ થી થોડે દૂર બેઠેલા પત્રકારોને પણ મુખ્યપ્રધાન સહિતનાઓની સ્પીચ સુવ્યવસ્થિત રીતે સાંભળી શકાય તે પ્રકારની વ્યવસ્થા નો અભાવ જોવા મળ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નો કાર્યક્રમ જામકંડોરણા ખાતે નિર્ધારિત થયો હતો. જે કાર્યક્રમ કોઈ સરકારી નહીં પરંતુ પાર્ટીનો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કોઈપણ પ્રકારની સાઉન્ડ સિસ્ટમનો અભાવ નહોતો જણાયો. પરંતુ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જે સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સાઉન્ડ સિસ્ટમ નબળી હોવાનું સામે આવ્યું હતું.
વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રેસકોર્સ મેદાન ખાતે દોઢ લાખ જેટલી એકઠી કરવામાં આવશે. પરંતુ આ દાવામાં રાજકોટ શહેર ભાજપ ઉણુ ઉતર્યું હોવાનું સામે આવ્યું છે. દોઢ લાખના દાવાની સામે માત્ર 50,000 જેટલી જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે શું રાજકોટ શહેર ભાજપને અગાઉથી જ ખ્યાલ હતો કે, સભા સ્થળે દાવાથી ત્રીજા ભાગની જ જન મેદની એકઠી થઈ શકશે. વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરોએ 6,000થી પણ વધુની લીડ સાથે જીત મેળવી હતી. તેઓ પણ પોતાના વોર્ડમાંથી 3000 જેટલા લોકોને સભા સ્થળે નહોત લાવી શક્યા.
વર્ષ 2017માં વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે નેતાઓએ તનતોડ મહેનત કરી હતી. તે નેતાઓની નિષ્ક્રિયતા અને રાજકોટ શહેર ભાજપના સેનાપતિ પ્રત્યે રહેલા આક્રોશના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં યોજવામાં આવેલ રોડ શો અને જનસભાનો કાર્યક્રમ ફ્લોપ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપની લડાઈ માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે નહીં પરંતુ પોતાના જ વ્યક્તિઓ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘરમાં લાગેલી દાવાનળને ભાજપ કઈ રીતે બુજાવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. કેટલાક સિનિયર આગેવાનોને તેમના વલણ બાબતે જ્યારે પૂછવાનો પ્રયત્ન કરાયો ત્યારે તેમનો જવાબ હતો કે, પાર્ટીમાં હવે પહેલાની માફક જે પ્રકારની એક કેડર હતી, તે પ્રકારની કેડર રહી નથી. હાલ હવે કોઈ પણ જુનિયર સિનિયરને ઓવરટેક કરી ગમે તે કરી શકે છે. આ સંજોગોમાં ઓવરટેક કરનારને પણ ખ્યાલ આવવો જોઈએ કે, કોઈપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેટલા વિસે સો થાય.