Rajkot Viral Video: 15 સેકન્ડનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાર જેટલા યુવાનો જાહેરમાં દારૂની મેહફીલ માણી રહ્યા છે.
રાજકોટ: અમદાવાદ અને બોટાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડ (Hooch tragedy) સામે આવ્યો છે. જોકે, પોલીસ તપાસમાં લઠ્ઠાકાંડ નહીં પરંતુ કેમિકલકાંડ હોવાનું સામે આવ્યું છે. કેમિકલ કાંડમાં મૃત્યુંનો આંકડો 40ને પાર થઈ ગયો છે ત્યારે રાજકોટ પોલીસ (Rajkot police) પર એક્શનમાં આવી છે. પોલીસે 24 કલાકમાં પ્રોહિબિશનના 24 જેટલા કેસ કર્યાં છે. જેમાંથી માત્ર શાપર અને વેરાવળ જીઆઈડીસી વિસ્તારમાં જ 12 કેસ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ (Viral video) થયો છે. જેણે ખૂબ ચર્ચા જગાવી છે.
લઠ્ઠાકાંડમાં બુધવારના રોજ સવારના 10 વાગ્યા સુધીમાં કુલ 41 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની એક કમિટી પણ બનાવવામાં આવી છે. તો સમગ્ર મામલે સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
ચાર યુવકનો વીડિયો વાયરલ
બીજી તરફ રાજકોટ જિલ્લાના જસદણનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 15 સેકન્ડનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચાર જેટલા યુવાનો જાહેરમાં દારૂની મેહફીલ માણી રહ્યા છે. વાયરલ વીડિયોના પગલે હાલ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત વીડિયોમાં દેખાઈ રહેલા ચારેય શખ્સોની શોધખોળ પણ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. વાયરલ થયેલો વીડિયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું.
મંગળવારના રોજ રાજકોટ શહેરમાં ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા દેશી દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પહોંચે તે પૂર્વે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હતી. તેમજ મોટાપાયે દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા આથાનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે ડીસીપી પ્રવીણકુમાર મીણાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ, કુવાડવા પોલીસ, આજીડેમ પોલીસ તેમજ ભક્તિનગર પોલીસ દ્વારા અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂ મામલે ડ્રાઇવ આયોજિત કરવામાં આવે છે. ડ્રાઇવ દરમિયાન દેશી તેમજ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે તેમ જ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.