Home /News /rajkot /વેલેન્ટાઇન વીકમાં સામે આવ્યા દુઃખદ કિસ્સા: રાજકોટમાં પ્રેમી યુગલે ઝાડ સાથે લટકી જીવ આપ્યો, સગીર-સગીરા પુલ પરથી કૂદ્યા
વેલેન્ટાઇન વીકમાં સામે આવ્યા દુઃખદ કિસ્સા: રાજકોટમાં પ્રેમી યુગલે ઝાડ સાથે લટકી જીવ આપ્યો, સગીર-સગીરા પુલ પરથી કૂદ્યા
પ્રતીકાત્મક તસવીર
રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં 17-17 વર્ષના સગીર-સગીરાએ બેડીના પુલ પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ: હાલ વેલેન્ટાઇન વીક (Valentine Week) ચાલી રહ્યું છે ત્યારે પ્રેમી યુગલો તેની આનંદભેર ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થઈને પ્રેમી યુગલો આપઘાત પણ કરી લેતા હાય છે. રાજકોટ શહેરમાં બે એવી ઘટના સામે આવી છે. એક બનાવમાં પ્રેમી યુગલે (Couple) આપઘાત (Suicide) કરી લીધો છે અને બીજામાં સગીર યુગલે પુલ પરથી ઝંપલાવી દીધું છે. ગાંધીગ્રામના કુંવારા યુવાન અને પરિણીત યુવતીએ પડધરીના નાની અમરેલી ગામની સીમમાં બાવળના ઝાડમાં લટકીને આપઘાત કર્યો છે. બીજી ઘટનામાં રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં 17-17 વર્ષના સગીર-સગીરાએ બેડીના પુલ પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ ઘટનામાં પડધરીના નાની અમરેલી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસ પાસે ખુલ્લા પટમાં બાવળના ઝાડમાં એક યુવક અને યુવતીની લાશ ચૂંદડીના ફાંસામાં લટકતી હોવાની જાણ થતાં પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન યુવાન નજીકમાં જ આવેલા તબેલાની દેખરેખનું કામ સંભાળતો અને રાજકોટ રહેતો જયદીપભાઇ ડાંગર હોવાનું ખુલ્યું હતું. યુવતીની વિશેષ તપાસ બાદ ઓળખ થઇ હતી. યુવતી ભારતીનગર-૧માં રહેતી કાજલબેન સોહલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જયદીપ તબેલામાં દેખરેખનું કામ કરતો હતો તે અપરિણીત હતો. જ્યારે કાજલબેનના થોડા સમય પહેલા જ લગ્ન થયાની પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી. જયદીપ ગઇકાલે નિત્યક્રમ મુજબ તબેલાના કામે જવા ઘરેથી સવારે નીકળ્યો હતો. યુવતી ઘરેથી કયારે નીકળી તેની માહિતી પોલીસને મળી નથી. તેણી સાસરેથી ભારતીનગરમાં માવતરે આટો દેવા આવી હતી.
બીજી ઘટનામા રાત્રીના દસેક વાગ્યે બી-ડિવીઝન પોલીસ મથકની પીસીઆર વેન બેડીના જામનગર બાયપાસવાળા પુલ નીચેના અવાવરૂ જેવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી ત્યારે એક છોકરો-છોકરી ઘાયલ દેખાયા હતા. તપાસ કરતાં છોકરી થોડી ભાનમાં જણાઇ હતી. જ્યારે છોકરો ગંભીર ઇજા થવાથી બેભાન થઇ ગયો હતો. બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ભાનમાં રહેલી છોકરીએ પોતાનું અને છોકરાનું નામ-એડ્રેસ પણ જણાવ્યા હતાં. બંનેએ પુલ પરથી છલાંગ લગાવ્યાનું ખુલતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં કાર્યવાહી કરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે સગીર અને સગીરા બંને એક જ જ્ઞાતિના છે અને બંને વચ્ચે પ્રેમ હોઇ લગ્ન કરવા ઇચ્છતા હતાં. પરંતુ હાલમાં ઉંમર નાની હોઇ પરિવારજનોએ થોડા વર્ષ રાહ જોવાનું કહેતાં બંનેને માઠું લાગ્યું હતું અને રાતે ઘરેથી બાઇક પર નીકળી ગયા હતાં. જે બાદમાં બેડીના પુલ પરથી પડતુ મૂકી દીધું હતું. જો પીસીઆર વેન રાતે પુલના નીચેના ભાગે પેટ્રોલિંગમાં ન નીકળી હોત તો કદાચ આ સગીર-સગીરા લાંબો સમય સુધી ત્યાં જ પડ્યા રહ્યા હોત અને સારવાર પણ મળી શકી ન હોત. સદનસીબે પીસીઆરવેન આ બંને કૂદ્યા એ વખતે જ ત્યાંથી નીકળી હતી. પોલીસે બંને નજરે ચડી જતાં તત્કાળ હોસ્પિટલે ખસેડ્યા હતાં. હાલ સગીરા સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સગીરને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો છે. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે.