જસદણ: ગુજરાતમાં ભર ઉનાળામાં અનેક વિસ્તારોમાં માવઠું પડી રહ્યુ છે. માવઠાને કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયાના અહેવાલ રાજ્યનાં ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. તો બીજી બાજુ જસદણમાં પણ ખેડૂતોનો યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, જીરું અને એરંડાના પાક પલળતાં ડબલ માર વાગ્યો છે. જોકે, માર્કેટિંગ યાર્ડ દ્વારા પલળેલા માલનો સર્વે પણ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આઠમી માર્ચ સુધી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોનો 30થી 40 ટકા પાક પલળ્યો
જસદણ માર્કેટિંગ યાર્ડમાં ઘંઉ, એરંડા અને જીરું જેવો પાક ખુલ્લામાં પડ્યો હતો. ત્યારે અહીં વરસાદ વરસતા પાકને મોટા પાયે નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફરી વળી છે. આ અંગે ખેડૂતે પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, અમારો 30થી 40 ટકા પાક પલળી ગયો છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતી છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ
રવિવારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ યથાવત હતુ. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા, સરધાર તાલુકા, જસદણ તાલુકા, રાજકોટ તાલુકા, લોધિકા તાલુકા અને કોટડા સાંગાણી તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે 2500થી 3000 વીઘા પૈકી 1000 વીઘામાં તૈયાર થયેલા રવિ પાકમાં ખેડૂતોને મસમોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
ખેતરમાં તૈયાર થયેલા ખેડૂતોના રવિ પાક જેવા કે ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન પહોંચ્યું છે. પાંચિયાવદર ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, તેમના ગામમાં અડધોથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. કેટલાક ખેડૂતોએ ખેતરમાં પોતાનો તૈયાર પાક એકઠો કરીને રાખ્યો હતો.
તો કેટલાક ખેડૂતોનો પાક હજુ ખેતરમાં ઉભો હતો તેમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે, તાત્કાલિક અસરથી સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવે તેમજ ટેકાના ભાવે જણસીની ખરીદ કરવામાં આવે.