Home /News /rajkot /Morbi Bridge Case: જયસુખ પટેલના સમર્થનમાં ઉતરી ઉમિયાધામ સંસ્થા-સિદસર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય

Morbi Bridge Case: જયસુખ પટેલના સમર્થનમાં ઉતરી ઉમિયાધામ સંસ્થા-સિદસર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય

જયસુખ પટેલના વિરોધ વચ્ચે તેના સમર્થનમાં આવી આ કડવા પાટીદાર સંસ્થા અને ભાજપના પૂર્વ ધારાસભ્ય

Jaysukh Patel, Morbi Bridge Case: મોરબી બ્રીજ દુર્ઘટના બાદ જયસુખ પટેલ સામે લોકોમાં આક્રોશ શરુ થયો છે. આવામાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા જયસુખ પટેલનો ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનું કહીને તેમના સમર્થનમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટી રીતે જયસુખ પટેલને ચિતરવામાં આવી રહ્યા હોવાનું જણાવીને તેમનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
રાજકોટઃ મોરબીમાં બનેલી ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના યાદ કરીને લોકો આજે પણ ધ્રૂજ રહ્યા છે. આ ઘટનાનો ભોગ બનેલા પરિવારોના આંસુ હજુ સુકાઈ રહ્યા નથી. બીજી તરફ આ કેસમાં પુલની કામગીરી સંભાળનારા જયસુખ પટેલ સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ આક્રોશ વચ્ચે તેમની ખોટી રીતે ફજેતી કરવામાં આવતી હોવાનું ભાજપના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું છે. આ સિવાય ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે.

કોણ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું?


ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર ધામ દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ, ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાવનગર મહાનગર પાલિકામાં આવી 149 જગ્યાઓની ભરતી

આ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા જણાવે છે કે, હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ઉમિયાધામ સિદસરની સાથે અનેક એનજીઓ પણ છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓઢવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝૂલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું.

એટલે કે હવે આ મુદ્દે કે કડવા પાટીદાર ઉદ્યોગપતિ જયસુખ પટેલના બચાવમાં તથા તેમના સામે સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવી રહેલી વાતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ કડવા પાટીદાર ઉદ્યોગપતિનું સમર્થન કરવા માટે કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા પણ મેદાને આવી છે.

ઉમિયાધામ સિદસરના લેટર હેડ પરથી લખવામાં આવેલા પત્રમાં શું કહેવામાં આવ્યું છે?


નમ્ર નિવેદન

મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માત એ દુઃખદ દુર્ઘટના હતી. સૌને તેનું દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના શ્રી જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે.

સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય - સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતાશ્રી છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે.સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા શ્રી જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે જુલતા પુલનું સંચાલન સંભાળેલ. ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી.

હા, બનેલી દુર્ઘટનાનું દુઃખ સૌને છે, પરંતુ એક સન્માનનીય સમાજસેવક, સામાજિક અગ્રણી અને ફરજનિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતિના સમાજ સેવાની જવાબદારી નિભાવતાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ છે. અન્યથા ભવિષ્યમાં કોઈ સામાજિક અગ્રણી-અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક જવાબદારી-સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે. જે ભવિષ્યમાં સામાજિક વ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે.

આપણે સૌ શ્રી જયસુખભાઈને સપોર્ટ કરીએ એ જ અભ્યર્થના... પ્રાર્થના...
Published by:Tejas Jingar
First published:

Tags: Gujarati news, Rajkot News