રાજકોટઃ રૂરલ SOGએ RTOની બોગસ પ્હોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિટેઇન થયેલા વાહનોની મેમાના આધારે બનાવટી આરટીઓની પ્હોંચ બનાવી આપતા હતા. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અશોક ટાંક અને રાજદીપસિંહ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે.
કેવી રીતે કૌભાંડ આચરતા હતા?
આરોપી અશોક ટાંક એજન્ટનું કામ કરે છે. અશોક આરટીઓ કચેરીએ ડિટેઇન થયેલા વાહનોના દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ લઈ લેતો હતો અને અન્ય આરોપી રાજદિપસિંહ રાણા પાસે આરટીઓ કચેરી રાજકોટના નામની બનાવટી રસીદ તૈયાર કરી તેમાં Registering Authority RTO Rajkotના નામનું ખોટું રાઉન્ડશીલ તૈયાર કરી તથા આરટીઓ અધિકારીની બનાવટી સહી કરી પોલીસ તરફથી આપવામાં આવતા મેમોનો નાશ કરી બંને શખ્સોએ ગેરકાયદેસર રીતે રૂપિયા કમાવવાનું કૌભાંડ આચરતા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
હાલ પોલીસે આ આરોપીઓને ઝડપી પાડીને ક્યારથી આ કૌભાંડ આચરતા હતા તેની તપાશ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે, આ આરોપીઓએ મોટા પ્રમાણમાં લોકોને ભોગ બનાવ્યા છે. આવનારા દિવસોમાં પોલીસ તપાસમાં સામે આવશે કે કેટલા લોકોને અને કેટલા રૂપિયાનું કૌભાંડ આ આરોપીઓએ આચર્યું છે. હાલ પોલીસ આ કૌભાંડમાં આરટીઓ કચેરીમાંથી કોઈ કર્મચારી સામેલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અત્યાર સુધીમાં 100થી પણ વધુ લોકોને નિશાન બનાવ્યાં છે. આરોપીઓ લોકોને શંકા ન જાય એટલા માટે એક રૂપિયો પણ ઓછો નહોતા લેતા. કૌભાંડ એવી રીતે આચરતા હતા કે, તેમના સંપર્કમાં આવનારા લોકોને શંકા ન જાય.