રાજકોટ: 21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, બે માસની બાળકીને ભૂવાએ પેટના ભાગે આપ્યા ડામ
રાજકોટ: 21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, બે માસની બાળકીને ભૂવાએ પેટના ભાગે આપ્યા ડામ
અંધશ્રદ્ધાનો બનાવ
Rajkot news: રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં ખસેડવામાં આવી હતી.
રાજકોટ: વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધા (Superstition) યથાવત્ હોવાનો વધુ એક પુરાવો રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal)માં સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલની ગુંદાળા ચોકડી (Gundala cross road) પાસે રહેતા શ્રમિક પરિવારે બે માસની દીકરીને ડામ અપાવ્યા હોવાની ઘટના સામે આવી છે. બે માસની દીકરીને પેટના ભાગે ત્રણ જેટલા ડામ અપાવવામાં આવતા દીકરી હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિજ્ઞાન જાથા (Bharat Jan Vigyan Jatha)ની ટીમ પણ ચિલ્ડ્રન હૉસ્પિટલ ખાતે પહોંચી હતી. વિજ્ઞાન જાથાની ટીમ તરફથી ડામ કોને આપ્યો હતો? કોણે અપાવ્યો હતો સહિતની માહિતી એકત્ર કરવામાં આવી છે. તેમજ આગામી દિવસમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે જઇ ભુવા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલી કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ગુરૂવારના રોજ ગોંડલથી એક બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરની એક ખાનગી હૉસ્પિટલ અને ત્યારબાદ સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કેટી ચિલ્ડ્રન હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બાળકીને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્ય પ્રદેશના વતની એવો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી રહે છે. બાળકીને તાણ તેમજ આંચકી અને તાવ આવતો હોવાથી શ્રમિક પરિવાર તેને દાહોદના કટવારા ગામ ખાતે એક ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. આ વાતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. આ મામલે હવે આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી હોવા સામે કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં તાવ આવે કે અન્ય કોઇ બીમારી સબબ ડામ આપવાની જૂની પ્રથા યથાવત છે. ક્યારેક કોઈક બીમારી સબબ પશુઓને પણ આ જ પ્રકારે ડામ આપવાથી તેને થયેલી બીમારી જતી રહેશે તેવી ગેરમાન્યતા પણ પ્રવર્તી રહી છે. આજના અદ્યતન ટેક્નોલોજીના યુગમાં આવી ગેરમાન્યતાઓ મૃતપાય બને તે માટે સરકાર પ્રયાસો હાથ ધરે તે ખૂબ જરૂરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર