Home /News /rajkot /

રાજકોટ: મોજશોખ માટે કૉલેજીયનો નકલી નોટોના ગોરખધંધામાં સપડાયા, બે વિદ્યાર્થીની ધરપકડ

રાજકોટ: મોજશોખ માટે કૉલેજીયનો નકલી નોટોના ગોરખધંધામાં સપડાયા, બે વિદ્યાર્થીની ધરપકડ

બે વિદ્યાર્થીની ધરપકડ

Rajkot fake notes racket: યુનિવર્સિટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગાર્ડી કૉલેજમાં અભ્યાસ કરનારો કિશન નકલી ચલણી નોટોના ધંધા સાથે સંકળાયેલો છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ મોજશોખ કરવા માટે નકલી ચલણી નોટો (Counterfeit currency)ના ગોરખધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસે (Rajkot police) રૂપિયા 50 હજારની નકલી ચલણી નોટો સાથે બંને આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસે (University police) ગાર્ડી કોલેજ તેમજ આત્મીય કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા બે વિધાર્થીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 50 હજારની નકલી ચલણી નોટ કબજે કરી છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં કોઇ નવો ફણગો ફૂટે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

યુનિવર્સિટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગાર્ડી કૉલેજમાં અભ્યાસ કરનારો કિશન નકલી ચલણી નોટોના ધંધા સાથે સંકળાયેલો છે. પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા તેની પાસે રહેલી નકલી ચલણી નોટો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા મૂળ વિસાવદરના વતની આવેશ અનવર ભોર પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: શું નફીસાને ન્યાય મળશે? પ્રાથમિક તપાસ બાદ પ્રેમી સામે ગુનો દાખલ

પોલીસે આવેશની પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને 40,000 રૂપિયામાં એક લાખ રૂપિયાની નકલી ચલણી નોટ આપી હોવાનું જણાવ્યું હતું. જે તે સમયે નકલી ચલણી નોટ તેણે વિસાવદરમાં રહેતા હર્ષ પાસેથી મેળવી હતી. જોકે, એક વર્ષ પૂર્વે હર્ષે આપઘાત કરી લીધાની માહિતી પોલીસને મળી છે.



પોલીસની વધુ પૂછપરછમાં આરોપી કિશન કેફિયત આપી છે કે તેણે રૂપિયા 50 હજારની નકલી ચલણી નોટો સુરત રહેતા પિતરાઇ ભાઇ સંજયને આપી છે. આ કેસમાં હવે પોલીસે સુરત રહેતા પિતરાઇ ભાઇ સંજયની પણ શોધખોળ શરૂ કરી છે. જોકે, પૂછપરછ દરમિયાન આરોપી કિશને પોલીસને જે કેફિયત રજૂ કરી છે તે વાતો પોલીસને ગળે ઊતરી રહી નથી. પોલીસ હવે આરોપીના રિમાન્ડ માંગશે અને વધુ પૂછપરછ કરશે.

આ પણ વાંચો: અમદાવાદ: ચાર કિલો ચરસ સાથે મુંબઈના યુવકની ધરપકડ

ઉલ્લેખનીય છે કે લાંબા સમયગાળા બાદ રાજકોટ શહેર પોલીસ તરફથી નકલી ચલણી નોટોના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં કોઇ નવો ફણગો ફૂટે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन