Home /News /rajkot /કરુણાંતિકા! પિતાની સામે જ પુત્રને કાળ ભરખી ગયો, પરિવારમાં ભારે શોકનો માહોલ
કરુણાંતિકા! પિતાની સામે જ પુત્રને કાળ ભરખી ગયો, પરિવારમાં ભારે શોકનો માહોલ
પરિવારમાં ભારે શોકનો માહોલ
Rajkot Accident News: રાજકોટ ગોંડલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોવાનું સામે આવે છે. રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપરમાં રીક્ષાની રાહ જોઈ ઉભેલા પિતા પુત્ર પૈકી પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
Rajkot: રાજકોટ ગોંડલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોવાનું સામે આવે છે. રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપરમાં રીક્ષાની રાહ જોઈ રહેલા પિતા પુત્ર પૈકી પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ સહિત આખા રાજ્યમાં અકસ્માતના બનાવો બધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં એક વ્યક્તિ અકસ્માતનો શિકાર બન્યો અને તેને મોત થયું છે.
રાજકોટ શાપર નજીક થયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલા ભૂમિગેટ રોડ પર અતુલ ઓટોમાં કામ કરતા ચેતન જાદવ તેમજ તેના પિતા સવજીભાઈ જાદવ કંપનીમાંથી કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે પિતા-પુત્ર વિકાસ સ્ટવ પાસે રોડ પર રીક્ષાની રાહ જોઈ ઉભા રહ્યા હતા. પરંતુ તેટલી વારમાં જ જાણે કે ઈશ્વરને કંઈક ઔર જ મંજૂર હશે તેમ પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટર યુવક ચેતન જાદવને અડફેટે લીધો હતો. જેના કારણે યુવક રોડ પર પટકાયો હતો. જેથી તાત્કાલિક અસરથી તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રોડ પર પટકાવવાના કારણે ચેતન જાદવને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તેને વધુ સારવાર મળે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે રાજકોટ શહેરની સિવિલ ચોકી દ્વારા શાપર વેરાવળ પોલીસને જાણ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પીએમ રૂમ ખાતે ખસેડ્યો હતો. જ્યાં મૃતક ચેતન જાદવની બોડીનું પીએમ કરવામાં આવ્યું હતું.
કાર્યવાહી પૂર્ણ થતા પોલીસે મૃતદેહને તેના પરિવારજનોને સોંપ્યો હતો. તો બીજી તરફ પોલીસે જે જગ્યાએ ઘટના ઘટી હતી ત્યાં જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરૂદ્ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. આમ, કારખાનેથી ઘરે આવવા નીકળેલા પિતા પુત્ર પૈકી માત્ર પિતા જ ઘરે જઈ શક્યા પરંતુ પુત્ર ઘેર પહોચ્યો નહીં અને તેનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે કે જે પુત્રની રાહ પરિવારજનો જોઈ રહ્યા હતા તે પુત્રની માત્ર લાશ જ ઘરે પહોંચી હતી.