રાજકોટ: શહેરમાં એક વેપારીએ નાણા ભીડને કારણે આપઘાત કરી લીધો છે. તો રાજકોટ જિલ્લામાં જ બનેલા અન્ય એક બનાવમાં એક સામાજિક આગેવાને પ્રદુષણ મામલે આપઘાતનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરમાં રાજનગર ચોક નજીક રહેતા વેપારીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનું કારણ નાણાં ભીડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વેપારીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આપઘાત કરી લેનાર વેપારીનું નામ નિમિષ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં નાણા ભીડ ઉપરાંત અન્ય કારણની પણ તપાસ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં બનેલા અન્ય એક બનાવમાં એક સામાજિક કાર્યકરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે સામાજિક કાર્યકરે હડમતાળા જીઆઈડીસી ખાતે પ્રદુષણ બાબતે અમુક કંપનીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ટેક્નો અને ફાર્મા કંપનીઓ પ્રદુષણ ફેલાવી રહી હોવાથી સામાજિક કાર્યકરે તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે અનેક રજુઆતો છતાં કોઈ સમાધાન ન આવતા અંતે તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.