Home /News /rajkot /

Rajkot: કોરોનાકાળના 2 વર્ષ બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને બખ્ખા, ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ઘસારો

Rajkot: કોરોનાકાળના 2 વર્ષ બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને બખ્ખા, ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ઘસારો

રાજકોટના

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ બુકિંગ

રાજ્યમાં સૌથી વધુ ફરવા જવાવાળા લોકોની સંખ્યામાં રાજકોટ પ્રથમ નંબરે આવ્યું છે. કારણ કે ચાલુ સીઝનમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સે 90 કરોડનું ટર્નઓવર કર્યું છે.

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: કોરોના મહામારી (Corona pandemic) એઆખા વિશ્વને પોતાના ભરડામાં લીધું હતું. પરંતુ હાલ ભારતમાં કોરોના હળવો પડતા લોકો ફરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.તેમાય રાજકોટ (Rajkot)વાસીઓ ફરવાના ભારે શોખિન છે. રાજ્યમાં સૌથી વધુ ફરવા જવાવાળા લોકોની સંખ્યામાં રાજકોટ પ્રથમ નંબરે આવ્યું છે. કારણ કે ચાલુ સીઝનમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સે 90 કરોડનું ટર્નઓવર કર્યું છે. હજી દોઢ મહિના સુધી પ્રવાસીઓનો ધસારો હોવાથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ (Tours and Travells) ના ધંધાર્થીઓને ધોમધખતા તાપમાં ટાઢક જ ટાઢક છે. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 7 ગણો ધસારો જોવા મળી રહ્યો છો.

  ગોવા અને ઉત્તરાખંડના સ્થળો હોટફેવરિટ

  કોરોનાની ત્રીજી લહેર પછીના તહેવારોમાં નાની ટૂર પર જનારા લોકોથી પર્યટન સ્થળો ફૂલ રહ્યા હતા. ભારતનું કોઈપણ સ્થળ એવું નથી કે જ્યાં રાજકોટના લોકો પહોંચ્યા ન હોય. અત્યારે સમર વેકેશનના કારણે અને ઉનાળાની ગરમીના હિસાબે રાજકોટના લોકો ગોવા તથા ઉત્તરાખંડના સ્થળો પસંદ કરી રહ્યા છે. તેમજ સીમલા, મસૂરી, નૈનીતાલ સહિતના ડેસ્ટીનેશનનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે ફરવા જવા માટે રાજકોટના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  હોટલ અને ટ્રાન્સપોર્ટેશનને પણ બખ્ખા

  આ વર્ષે દરેક હિલ સ્ટેશન અને દરિયાકિનારાના સ્થળો પર ધસારો જોવા મળ્યો છે, જે ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ માટે સારા સંકેતની નિશાની છે. બસ, ટ્રેન, ફ્લાઈટની ટિકિટ બૂક થઈ રહી છે તેમજ લોકો પોતાના બજેટ મુજબ ફરવાના સ્થળોએ 4, 8, 10 કે 15 દિવસ માટે ફરી અને મોજ માણે છે. આ વખતે રાજકોટવાસીઓએ 90 કરોડ રૂપિયા ફક્ત ટ્રાવેલિંગમાં ખર્ચ્યા છે તે ટૂરિઝમ માટે પણ સકારાત્મક બાબત છે. ટ્રાવેલિંગની સાથે સાથે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટેશન તેમજ ફૂડ ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થયો છે.

  રાજકોટમાં પ્રથમ વખત સૌથી વધુ બુકિંગ

  હાલ ફ્લાઈટ, ટ્રેન, ખાનગી બસો બધું જ હાઉસફૂલ થઈ ગયું છે, ફ્લાઇટના ટિકિટના રેટ ચારથી પાંચ ગણા વધુ લેવામાં આવે છે. ટ્રેનમાં પણ ટિકિટ મળતી નથી. જે-તે સ્થળોએ હોટેલના રૂમ બૂક કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કારણ કે ડબલ અને ત્રણ ગણા ભાડા આપવા છતાં પણ હોટેલમાં જગ્યા મળતી નથી. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના સર્વે મુજબ રાજકોટના લોકો દ્વારા 90 કરોડ રૂપિયાનું ટ્રાવેલિંગ અત્યારસુધીમાં થયું છે. આવું કદાચ પ્રથમ વખત બની રહ્યું છે કે, સૌથી વધુ ટ્રાવેલિંગ રાજકોટમાંથી થયું છે.

  નવરાધૂપ ટૂર ઓપરેટર્સે દોડ મૂકી

  લોકોએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ પેકેજ બૂક કરાવવા રીતસર દોડ મૂકી છે. બે વર્ષથી હાથ પર હાથ રાખીને નવરા ધૂપ બેઠેલા ટૂર ઓપરેટરો હવે દોડી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં વેકેશનને માણવા અને ફ્રેશ થવા લોકો 7થી 10 નાઈટના ડેસ્ટીનેશન બૂક કરાવી રહ્યા છે. જેમાં આ વખતે ડોમેસ્ટિકમાં નોર્થ ઇસ્ટ, કાશ્મીર અને ઇન્ટરનેશનલમાં દર 10માંથી 8 વ્યક્તિ દુબઈના પેકેજ લઈ રહી હોવાનું ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું. જોકે આ વેકેશનમાં એરફેર ખૂબ વધી જતા ટૂર પેકેજ 25 ટકા જેટલા મોંઘા થયા છે.

  એડવેન્ચર ટ્રીપમાં માઉન્ટ આબુ હોટ ફેવરિટ

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મહિલાઓએ એડવેન્ચર ટ્રીપમાં કાશ્મીર અને લેહ લદ્દાખ પર પસંદગી ઉતારી છે. કાશ્મીરમાં તમામ હોટલોમાં એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત આજુબાજુના સ્થળોમાં આવેલા કોટેજ અને હોસ્ટેલ પણ બૂક છે. હરવા-ફરવાની સાથે પ્રકૃતિ માણવા અને સાહસિક બનવા યુવાનો અને મહિલાઓ એડવેન્ચર ટ્રીપ પસંદ કરે છે. જેમાં ટ્રેકિંગ, માઉન્ટેનિંગ, રોક ક્લેમ્પઇંગ સહિતની પ્રવૃત્તિઓ કરતા હોય છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે એડવેન્ચર ટ્રીપ માટે ફેવરિટ છે.

  જૂન મહિનામાં ફ્લાઈટની સાથે ટ્રેન પણ હાઉસફૂલ

  ઘરે રહીને કંટાળેલા લોકો આ વર્ષે લાંબુ વેકેશન માણવા જવાના મૂડમાં છે, જેના લીધે 7થી 10 દિવસ માટેના પેકેજ વધારે જોવા મળ્યા છે. મે અને જુન મહિનામાં ફ્લાઇટની સાથે ટ્રેન પણ હાઉસફૂલ છે. કોરોનાના નિયમો હળવા થતા છેલ્લી ઘડીએ પણ ફરવા જવા માટેના રાજકોટવાસીઓએ આયોજનો બનાવ્યા છે. એક વાત વિશેષ રહી છે કે, જ્યાં પ્રતિબંધ હળવા છે કે સાવ નથી તે તરફ વધુ બૂકિંગ છે.

  આ પણ વાંચો: Kutch:ખેડૂતે પરિવારની મોટી ચિંતા ઓછી કરી આપી

  ચારધામની યાત્રામાં પણ ધસારો

  હિલ સ્ટેશનની સાથોસાથ ચારધામની યાત્રા માટે પણ યાત્રિકોનો ધસારો વધ્યો છે. ખાસ કરીને ફેમિલી પેકેજનું બૂકિંગ વધુ છે, કોરોના પછી નોનસ્ટોપ ફરવા જવા માટે લોકોમાં ઉત્સાહ છે, જેના લીધે ત્રણ ગણું બૂકિંગ વધ્યું છે. આ વખતે સમર વેકેશનમાં કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાંચલ અને નેપાળ તરફ જવાનો લોકોનો મૂડ વધારે જોવા મળી રહ્યો છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Rajkot News, Tours operator, રાજકોટ

  આગામી સમાચાર