રાજકોટ: રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક જાહેરનામાં દ્વારા, પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવેલો છે.
આ જાહેરનામાં અનુસંધાને તારીખ ૧૭ મેથી ૩૧ મે સુધીમાં જાહેરમાં ચાલુ વાહને થૂંકનાર કુલ ૪૪૬ વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે જે પૈકી ૧૧૭ વ્યક્તિઓ દ્વારા રૂપિયા ૨૯,૭૫૦/- નો દંડ ભરપાઈ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકી આ પ્રતિબંધનો ભંગ કરનાર લોકો સામે પગલાં લેવાના આ અભિયાનથી શહેરમાં જાહેરમાં થુંકતા વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે તે હકિકત લોકોમાં આવી રહેલી જાગૃતિની પ્રતીતિ કરાવે છે.
લોકો જાગૃત થઈને જાહેરમાં સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થવા લાગ્યા છે. રોજબરોજ ઇસ્યુ થતા ઈ-મેમોની સંખ્યા પરથી એટલો ખ્યાલ આવે છે કે, લોકો હવે જાહેરમાં ચાલુ વાહને થૂંકતા અચકાવા લાગ્યા છે યા તો ટાળવા લાગ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેના વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. શહેરમાં પાનની એક દુકાને આ દુકાનદાર દ્વારા ત્યાં આવતા ગ્રાહકોને પાન-ફકીની સાથેસાથે થૂંકવા માટે પાઉંચ પણ આપે છે, જેથી જાહેરમાં ગંદકી ન થાય અને ગ્રાહકો પાઉંચમાં થૂંકી જાહેરમાં થતી ગંદકી અટકી શકે છે,”
“આ અભિયાનથી અન્ય એક મહત્વપૂર્ણ ફાયદો એ પણ જોવા મળેલ છે, જેમાં ચોરીના વ્હીકલ પણ પકડાવા લાગ્યા છે, જાહેરમાં થૂંકનાર વ્યક્તિ જે વ્હીકલ લઈને નીકળેલા છે તે વ્હીકલના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર પરથી તે વ્યક્તિનું ઘરનું સરનામું મેળવવામાં આવે છે અને તે સરનામાં પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈ-મેમો મોકલામાં આવે છે, ત્યારે માલુમ પડે છે
આ વ્હીકલ ખરેખર થૂંકનાર વ્યક્તિનું જ વ્હીકલ છે કે નહિ, જો કોઈ વ્યક્તિનું વ્હીકલ ચરાયું હશે અને તે વ્હીકલ કોઈ અન્ય વ્યક્તિ લઈને નીકળશે તો તે શહેરમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે મળી શકશે. આમ, આ અભિયાન દ્વારા લોકોના ચોરાયેલ વ્હીકલ પણ પકડાવા લાગ્યા છે, “ બંછાનિધી પાનીએ જણાવ્યું હતુ.