Mustufa Lakdawala,Rajkot : મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં સેવાની સરવાણી પણ વહી હતી. જેમાં સંજયભાઈ શેઠ, જીજ્ઞેશભાઈ અને ભાવેશભાઈ મણિયારે આખી રાત સેવા કરી હતી. રેસ્ક્યૂ કરનારા સ્થાનિક લોકો માટે આ ત્રણેય મિત્રોએ પોતાના ખર્ચે જ ચા-પાણી અને સૂકા નાસ્તાની વ્યવસ્થા કરી હતી. જે આજે પણ ત્રણેય મિત્રો આ સેવા કરી રહ્યા છે. ત્રણેય મિત્રો સાથે મળીને સરખા ભાગે ખર્ચો ઉઠાવી રહ્યા છે.
જાણો સંજયભાઈને કેવી રીતે આવ્યો વિચાર
સંજયભાઈ શેઠે જણાવ્યું હતું કે, સેવાકાર્યમાં અમારા વારસાઈ આશીર્વાદ છે બાપ-દાદાઓના. કોઈ આવી દુર્ઘટના બને ત્યારે અમે સેવામાં ઉભા રહીએ છીએ. પણ આ દુર્ઘટનામાં તો આખું મોરબી રોવે છે. મને કહેતા રૂવાટા ઉભા થઈ જાય છે કે, મોરબીને એક આઘાત લાગ્યો છે. દુર્ઘટના બની એટલે અમે રાતેને રાતે આવી ગયા હતા. 6.30 કે 7 સાત વાગે તરવૈયાઓ નદીમાં પડી ડેડબોડી કાઢતા હતા. જીવતા લોકોને પણ બહાર કાઢી રહ્યા હતા. ત્યારે અમને વિચાર આવ્યો કે આ લોકોને આપણે ગરમાગરમ ચા પીવડાવીએ. સૂકા નાસ્તાની સેવા પણ ચાલુ રાખી. અમે ત્રણેય મિત્રોએ વિચાર્યુ કે પાણીથી બોટલથી લઈને સવાર, બપોર અને સાંજે ભોજન આપવામાં જે કાંઈ પણ ખર્ચો થાય તે આપણે ત્રણેય ભોગવી લઈશું. ત્યારથી અવિરત સેવા ચાલુ રાખી છે.
ત્રણેય ટાઈમ નાસ્તો અને ભોજનની વ્યવસ્થા
સંજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સવારે કેળા, સફરજન, પૌવા, ચા-કોફી અને બિસ્કીટ. બપોરે રોટલી, શાક, દાળ-ભાત, સાંજે ખીચડી કઢી અને રોટલા આવું મેનુ જમાડીએ છીએ. ઈશ્વરની કૃપાથી આવી બધી સેવા કરીએ છીએ. મારા પરિવાર કે મોરબી પર જ્યારે જ્યારે ઘાત-આઘાત આવી છે ત્યારે ત્યારે ભગવાને ઝીલી લીધી છે. મારો જ દાખલો દઉં તો મને એટેક આવ્યો ત્યારે ચાલુ એટેકે હું હોસ્પિટલ પહોંચી ગયો હતો. મને ઈશ્વરે બચાવી લીધો હતો.
જાણો સંજયભાઈ સાથે ભગવાને શું ચમત્કાર કર્યો
મને ભગવાને લગ્નના 14 વર્ષે દીકરી આપી છે. રવિવારે મારી દીકરીએ કહ્યું કે, પપ્પા ચાલોને સાંજે ઝૂલતા પુલે ફરવા જઈએ તો મેં કહ્યું બેટાતું અને તારી મમ્મી જઈ આવો. ત્યારે મારી દીકરીએ કહ્યું કે, ના પપ્પા તમે નહીં આવો તો હું નહીં જાઉં. બાદમાં મારી પત્નીએ કહ્યું કે, એક કામ કરીએ અમે સનાળા માતાદીના દર્શને જઈ આવીએ. તે બન્ને સનાળા ગયા. જો તે દિવસે સાંજે બન્ને અહીં ઝૂલતા પુલે આવ્યા હોત તો હું મારા પરિવારથી વિખુટો પડી ગયો હોત. બસ હવે તન મન અને ધનથી ભગવાન મને એવી શક્તિ આપે કે અન્નના અનેક પુણ્ય છે. દેવાવાળો હજારો હાથવાળો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Morbi, Morbi bridge collapse, રાજકોટ