Home /News /rajkot /રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંગલામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણભેદુ જ નીકળ્યો હત્યારો
રાજકોટમાં નરેશ પટેલના વેવાઇના બંગલામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, જાણભેદુ જ નીકળ્યો હત્યારો
આરોપી ઝડપાયો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અગાઉ પ્રવીણભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજકોટના બંગ્લા ખાતે અગાઉ બેથી ત્રણ વખત આવી ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે. બંગ્લામાં કોઈ રહેતું નથી આ બાબતથી આરોપી વાકેફ હતો.
રાજકોટ શહેર (Rajkot City)ના માલવિયાનગર પોલીસ સ્ટેશન (Malaviyanagar Police Station) વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે ખોડલધામ (Khodaldham)ના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel)ને વેવાઈ પ્રવીણભાઈ પટેલ ના બંગલામાં એક હત્યા (Murder)નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. પ્રવીણભાઈ પટેલના બંગ્લાની છેલ્લા ચાર વર્ષથી સાર-સંભાળ રાખી રહેલા વિષ્ણુભાઈ નામના પ્રોઢની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ઘટના સ્થળ તેમજ તેની આજુ-બાજુના સીસીટીવી જાહેર કર્યા હતા. લોકોને વિનંતી પણ કરી હતી કે જે આરોપી આ મામલે બાતમી આપશે તેને ઉચિત ઇનામ પણ આપવામાં આવશે. ત્યારે ગણતરીની જ કલાકોમાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત મહેનત રંગ લાવી છે. હત્યા કરનાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના અમીન માર્ગ પાસે આવેલ વિદ્યાકુંજ સોસાયટી માં ઈશાવાસ્યમ નામના બંગલામાં સારસંભાળ રાખનારા વિષ્ણુભાઈ ની એક ઈસમે હત્યા કરી હોવાનું સીસીટીવીમાં કેદ થવા પામ્યું હતું. હત્યારો હત્યા કરી બંગ્લામાંથી બહાર નીકળ્યા બાદ સ્થાનિક લોકોએ તે કોને ત્યાં આવ્યો હતો તે બાબતે પૂછપરછ પણ કરી હતી. ત્યારે તે હિન્દી ભાષામાં જવાબ આપતો નજરે પડ્યો હતો. તેમજ બંગ્લો કોનો છે તે પણ તે જાણતો હોવાનું જણાયું હતું. આ વાત પરથી એક બાબત સ્પષ્ટ હતી કે, હત્યારો કોઈ અજાણી વ્યક્તિ નથી. હત્યા કરનાર કોઈ જાણભેદુ જ હોઇ શકે છે આ બાબત પહેલેથી જ પોલીસ જાણતી હતી. જેના કારણે પોલીસે પ્રવીણભાઈ પટેલની ઓફિસમાં કામ કરનારા તેમજ અગાઉ જેમને છૂટા કરવામાં આવ્યા હોય તેમનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ યાદીમાં વડોદરા સામ હાઉસ ખાતે પણ ફરજ બજાવી ચૂકેલા અનિલ મીણાનું નામ સામે આવતા પોલીસ તેની તપાસ અર્થે રાજસ્થાન દોડી ગઇ હતી. જ્યાંથી તેની અટકાયત કરી રાજકોટ ખાતે લાવવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અગાઉ પ્રવીણભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજકોટના બંગ્લા ખાતે અગાઉ બેથી ત્રણ વખત આવી ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે. બંગ્લામાં કોઈ રહેતું નથી આ બાબતથી આરોપી વાકેફ હતો. ત્યારે હાલ તેની પાસે કોઈ કામ ન હોય જેથી ચોરીના ઈરાદે તેણે બંગલામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ બંગલામાં સાર સંભાળ રાખનાર વિષ્ણુભાઈ દ્વારા તેને પડકારવામાં આવતા આરોપીએ વિષ્ણુ ભાઈને ગળાના ભાગે ઘા ઝીંકી તેમજ મોઢાના ભાગે ડૂચો દઈ તેમની હત્યા નિપજાવી હતી.
આરોપી કોટેચા સર્કલ સુધી જે રિક્ષામાં આવ્યો હતો તે રિક્ષા-ડ્રાઇવરનું પણ પોલીસે નિવેદન નોંધ્યું છે. તેમજ આડોશપાડોશના પ્રત્યક્ષદર્શીઓના પણ નિવેદન પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.