ચડ્ડી-બનિયાનધારી ગેંગે ત્રીજીવાર કારખાનાઓને નિશાને બેસાડ્યા છે.
Rajkot News: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે વધુ એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય જોવા મળી રહી છે. ત્યારે ત્રીજીવાર આ ગેંગે 10 જેટલા કારખાનાઓમાં ચોરી કરી છે અને તેના સીસીટીવી વીડિયો વાયરલ થયા છે.
રાજકોટઃ જિલ્લાના સાપર વેરાવળ ખાતે વધુ એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય જોવા મળી રહી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણે કે, ખુલ્લો પડકાર ફેંકી રહી હોય તેમ એક મહિનામાં ત્રીજી વખત ચડ્ડી બનિયાનધારી ગેંગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગુનાહિત કૃત્યને અંજામ આપી રહી છે.
સીસીટીવી વીડિયો વાયરલ થયા
રાજકોટના શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મહિનામાં ત્રીજી વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. 10 જેટલા કારખાનામાં લાખો રૂપિયાની મતાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક અટકાવવા માટે પોલીસે પણ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ચડ્ડી બનીયાનધારી ગેંગના આઠ જેટલા લોકો સક્રિય જોવા મળી રહ્યા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કેટલા દિવસોમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
અગાઉ પણ તરખાટ મચાવ્યો હતો
અગાઉ રાજકોટ શહેરમાં પણ ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવી ચૂક્યો હતો. અગાઉ વર્ષ 2020માં રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ કુચિયાદળ ગામે ફેક્ટરીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગના છ જેટલા સભ્યો ત્રાટક્યા હતા. સ્થળ પરથી રોકડ રકમ નહીં મળતા શો-પીસમાં રાખેલી તલવાર તેમજ લાઇસન્સવાળી રિવોલ્વરની ચોરી કરી નાસી ગયા હતા. ત્યારબાદ ગેંગના પાંચ જેટલા સભ્યોને અમદાવાદ પોલીસ એક ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેઓને રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યા હતા.