અચાનક આરોગ્ય કેન્દ્ર પર રેડ પાડતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
Rajkot News: અનેક ફરિયાદો મળતા રાજકોટ ડીઇઓએ ગ્રામ્ય પંથકમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગમાં તમામ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
રાજકોટઃ એક તરફથી રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ડીડીઓના ચેકિંગ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ કર્મચારી જોવા ન મળતા તમામને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
ડીઇઓની સરપ્રાઇઝ વિઝિટ
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી લોધિકા તાલુકાના મેટોડા સહિતના ચાર ગામોની સરપ્રાઈઝ વિઝિટ પર પહોંચ્યા હતા. સરપ્રાઈઝ વિઝિટ પર પહોંચેલા દેવ ચૌધરી જ્યારે આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે આરોગ્ય કેન્દ્ર પર તાળું લાગેલું જોવા મળ્યું હતું. આ સાથે જ તમામ કર્મચારીઓ ગેરહાજર હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા લોધિકા આરોગ્ય કેન્દ્ર ખાતે ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેનારા આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ડીડીઓ રાજકોટને ફરિયાદ મળી રહી હતી કે, આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નથી હોતો. તેમજ કેટલા કિસ્સાઓમાં સ્ટાફ મોડો આવે છે તે પ્રકારની ફરિયાદ પણ મળી હતી. જે અંતર્ગત ડીડીઓ રાજકોટ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું.
ફાઇલો સહિત રેકોર્ડ તપાસ્યાં
આ સાથે જ ડીડીઓ દ્વારા પંચાયત ઓફિસની અંદર પણ સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન તમામ ફાઈલો અને રેકોર્ડ માગતા તલાટીઓને પણ પરસેવો છૂટી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જ પ્રકારે જો ઉચ્ચ અધિકારીઓ જો તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ સરપ્રાઈઝ વિઝિટ કરે તો વધુ ગેરહાજર રહેનારા કર્મચારીઓ મોટા પ્રમાણમાં મળી આવે. તેમજ લોકોને પણ સારી રીતે સરકાર દ્વારા આપવામાં આવનાર સુખાકારી મળી શકે.