Home /News /rajkot /રાજકોટ: પિતા સાથે બોલાચાલી થતા પુત્રએ હથોડાના ઘા ઝીંકી પિતાની કરી હત્યા
રાજકોટ: પિતા સાથે બોલાચાલી થતા પુત્રએ હથોડાના ઘા ઝીંકી પિતાની કરી હત્યા
આવતીકાલે આરોપી પુત્રને નામદાર કોર્ટમાં ગુનાના કામે રજૂ કરવામાં આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ધર્મેશ પરમાર આઈ.ટી.આઈ નો અભ્યાસ પૂર્ણ કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવતીકાલે આરોપી પુત્રને નામદાર કોર્ટમાં ગુનાના કામે રજૂ કરવામાં આવશે.
રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ મોટા મૌવા ગામ ખાતે કળિયુગી પુત્ર દ્વારા પિતાની હત્યા કર્યાની ઘટનાએ આખા પંથકમાં સનસની ફેલાવી દીધી છે. ફૂલવાડી પાર્ક શેરી નંબર 13ના વણકરવાસ ખાતે 54 વર્ષીય પિતા નાથાભાઈ પરમારની હથોડીના ઘા ઝીંકી 23 વર્ષીય પુત્ર ધર્મેશ પરમાર દ્વારા હત્યા નીપજાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકની પત્ની મણીબેન પરમાર (ઉવ.55) દ્વારા પોતાના જ પુત્ર ધર્મેશ પરમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. પટેલના જણાવ્યા અનુસાર મૃતક તેની પત્ની મણીબહેન સાથે અવારનવાર મારકૂટ કરતો હતો. મૃતક પોતે કંઈ કામ ધંધો ન કરતો હોવાથી તેની પત્નીને પોતાનું તેમજ ઘરનું ગુજરાન ચલાવવા માટે છૂટક મજૂરી કરવી પડતી હતી. તેમજ સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરી તે પ્રતિ માસ ત્રણથી ચાર હજાર રૂપિયાનું ઉપાર્જન કરતી હતી. આ બાબતથી મૃતક પુત્ર ધર્મેશ પણ કંટાળી ગયો હતો.
આ દરમિયાન આજે ધર્મેશ અને તેના પિતા નાથાભાઈ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જે અંતર્ગત તેને ગુસ્સો આવી જતા તેને હથોડી વડે પોતાના પિતાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તો બીજી તરફ સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસ મથકને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ ઘટના સ્થળે તાલુકા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ મૃતકની લાશને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ધર્મેશ પરમાર આઈ.ટી.આઈ નો અભ્યાસ પૂર્ણ કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવતીકાલે આરોપી પુત્રને નામદાર કોર્ટમાં ગુનાના કામે રજૂ કરવામાં આવશે.