મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર રાજકોટમાં સોલાર (Solar)ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું છે. રાજકોટ માટે આ ગૌરવની વાત છે કે સોલાર ટ્રાફિક સિગ્નલનો (Traffic signal) પ્રારંભ રાજકોટથી (Rajkot) થયો છે. આ ટ્રાફિક સિગ્નલ વીજળીની બચત કરશે તેમજ જગ્યા પણ ઓછી રોકે છે. એટલું જ નહીં પોર્ટેબલ (Portable) હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ સરળતા રહે છે. દરેક શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા દિવસે-દિવસે વધતી જાય છે. ત્યારે પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ અનેક રીતે સગવડતા સગવડદાયક રહેશે. પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલની કિંમત અંદાજે રૂ. 15 લાખ છે.
જાણવા મળતી વિગત મુજબ, ગુજરાતની જાણીતી કંપની રોજર મોટર્સ દ્વારા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવામાં મદદરુપ થવા માટે ભારતમાં પ્રથમ વખત સેલ્ફ કંટ્રોલ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ રાજકોટમાં રજૂ કરાયુ હતું. આ ટ્રાફિક સિગ્નલને ટ્રાફિકની જરુરીયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં આશીર્વાદ રૂપ સાબિત થાય છે. આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ રોજર મોટર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. અને તે સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરે છે. જો કે પોર્ટેબલ હોવા છતાં આ સિગ્નલમાં જરૂરી તમામ ફંક્શન પણ ઉપલબ્ધ છે.
વધુમાં આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણપણે સોલાર દ્વારા ચાલતું હોવાથી વીજળી અને તેના ખર્ચની પણ બચત થાય છે. કંપનીનાં જણાવ્યા મુજબ આ પોર્ટેબલ સિગ્નલ ઝીરો મેઇન્ટેનન્સ વાળુ છે. અને તેને તહેવારોની ઉજવણી દરમિયાન કોઇપણ ટ્રાફિકવાળી જગ્યા ઉપર સરળતાથી મૂકી શકાય છે. રાજકોટ ટ્રાફિક પોલીસ અને એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાનાં સહયોગથી રાજકોટના કોર્પોરેશન ચોકમાં ઉપયોગીતા જોવા માટે મુકવામાં આવ્યું છે. અગામી દિવસોમાં શહેરના અન્ય સ્થળોએ પણ આ પ્રકારના પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, ટ્રાફિક નિયમ, રાજકોટ