Rajkot Suicide Case: જિલ્લાના જેતપુર ગામે PGVCLના કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં વીજ કર્મચારીએ ગળાફાંસો વ્યાજખોરોના કારણે નહીં પરંતુ હનીટ્રેપમાં ફસાવવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટઃ જિલ્લાના જેતપુર ગામે PGVCLના કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં વીજ કર્મચારીએ ગળાફાંસો વ્યાજખોરોના કારણે નહીં પરંતુ હનીટ્રેપમાં ફસાવવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. બદનામી ના ડરે અગાઉ આરોપીઓ વ્યાજની ઉઘરાણી કરતા હોય તે પ્રકારની અરજી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે, જેતપુરમાં હર્ષદ વણઝારા નામના વીજ કર્મીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ યુવાનના મોટાભાઈએ ફરિયાદ નોંધાવતા મામલો હનીટ્રેપનો હોવાનું ખૂલ્યું છે. સ્યૂસાઈડ નોટમાં જણાવ્યા અનુસાર, અપરણિત યુવાન પાસેથી આરોપીઓએ લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારે હાલ જેતપુર સીટી પોલીસે આરોપી સોનલ રાજુ પરમાર, રાજુ હરી પરમાર તેમજ તેના વંથલીના બનેવી શાંતિલાલની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
મૃતકે સ્યૂસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, મારા મરવાનું કારણ સોનલ રાજુભાઈ પરમાર, રાજુભાઈ હરી પરમાર તેમજ રાજુભાઈના બનેવી શાંતિલાલ છે. છેલ્લા પાંચ વર્ષથી આ તમામ લોકો મને હેરાન પરેશાન કરે છે. અત્યાર સુધીમાં મારી પાસેથી તેઓએ રૂપિયા 25 લાખ પડાવી લીધા છે. મૃતકના ભાઇ હરેશભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ લોકો અગાઉ મારા ભાઈને પણ હેરાન કરતા હતા.
મૃતકના ભાઈનો ચોંકાવનારો ખુલાસો
મૃતકના ભાઈએ જણાવ્યુ હતુ કે, ‘મારા ભાઈએ તેમના વિરુદ્ધ જેતપુર સિટી પોલીસમાં 2017માં અરજી કરી હતી. આરોપીઓ હનીટ્રેપમાં ફસાવી મારા ભાઈને હેરાન પરેશાન કરતા હતા. જે તે સમયે મારા ભાઈએ સોનલબેન તેમજ રાજુભાઈને 4 લાખ આપી સમાધાન કર્યું હતું. મેં મારા ભાઈને જ્યારે રૂપિયાની જરૂર અંગે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હું હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. સમાજમાં બદનામી ન થાય તે માટે મેં રૂપિયા વ્યાજે લીધા હતા.’
હાલ પોલીસે મૃતકનો મોબાઈલ ફોન તપાસ સાથે કબજે લીધો છે. તેમજ તેની કોલ ડિટેઇલ્સ પણ કઢાવવામાં આવશે. મૃતકના મોબાઈલ ફોનમાંથી ફોટો-વીડિયો કે કોઈ રેકોર્ડિંગ પ્રકારની વસ્તુ છે કે નહીં તે પ્રકારની પણ તપાસ કરવામાં આવશે.