રાજકોટ : ગુજરાતમાં ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શનિવારે સાંજે જંગલેશ્વરમાં એક જાહેર સભા સંબોધી હતી. જેમા તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, હિન્દુ મુસ્લિમ નહી જ્ઞાતિ અને સરનેમમાં પણ ભાગ પડવવાનું કામ ભાજપ કરી રહ્યા છે. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેર જાવ ત્યારે પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. બે નારા મારે એક સાથે બોલવા છે, હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો. આ નિવેદન પર ભારે રાજકારણ ગરમાયું છે.
રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જણાવ્યુ કે, મેં પૂછ્યું હતું કે, અલ્લાહ હુ અકબર બોલાવું તો તમે મહાદેવ હર બોલશો. તો ત્યાં સામે બેઠેલી 5 હજાર જનતાએ મહાદેવ હરનો નાદ બોલાવ્યો હતો. હું હિન્દૂ-મુસ્લિમ એકતા ઇચ્છુ છું.
તેમણે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ માને છે કે એક હોઇશું તો જ ભારતનો વિકાસ છે. નફરતની રાજનીતિ દેશને નુકસાન કરી છે. આ દેશનો વિકાસ એકતામાં જ થાય છે. ભાજપ સંબોધનની નાની નાની ક્લિપ બનાવીને વાયરલ કરે છે. તમે આખું ભાષણ સાંભળજો તો સમજાશે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુનાં નિવેદન પર ભાજપનાં અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ મંદિરે દર્શને જાય છે તો ક્યારેક જનોઇ બતાવે છે. આ સાથે તેમણે કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, વોટબેંકની રાજનીતિનાં ચક્કરમાં સમાજમાં ભાગ પાળીને સત્તામાં આવીને કોઇપણ સ્તરની રાજનીતિ કરી શકે છે. અંગ્રેજો જતા રહ્યાં પરંતુ, કોંગ્રેસે હજુ તેમની વિચારસરણી સાચવી રાખી છે. ભાગલા પાડો અને રાજકરો. ગુજરાતની જનતા બહું સમજદાર છે તે બધું સમજે છે.