Home /News /rajkot /સૌરાષ્ટ્ર અને કચ્છના 9 જિલ્લામાં કોંગ્રેસના થયા સૂપડા સાફ, જાણો ક્યારે કરી હતી ભાજપે મિશન સૌરાષ્ટ્રની શરૂઆત
સૌરાષ્ટ્ર અને કચ્છના 9 જિલ્લામાં કોંગ્રેસના થયા સૂપડા સાફ, જાણો ક્યારે કરી હતી ભાજપે મિશન સૌરાષ્ટ્રની શરૂઆત
9 જિલ્લામાં કોંગ્રેસના થયા સૂપડા સાફ
Saurashtra and Kutch: 2017માં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની સીટ પર કોંગ્રેસનો પંજો સૌથી વધુ મજબૂત બન્યો હતો. પરંતુ 2022માં ભાજપની એવી આંધી ચાલી કે સૌરાષ્ટ્ર અને કચ્છના નવ જિલ્લામાં કોંગ્રેસ વાઈટ વોશ થઈ ગઈ.
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન સૌરાષ્ટ્રનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ ખુદ ચંદ્રકાંત પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ પર નીકળ્યા હતા. જેમાં તેમણે પોતાના પ્રવાસની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી કરી હતી. 2017 બાદ કોંગ્રેસના એક બાદ એક જમીન સાથે જોડાયેલા ધારાસભ્યોને ખેરવવાનું કામ પણ ભાજપ દ્વારા 2022ની ચૂંટણી જાહેર થયા સુધી કરવામાં આવ્યું હતું. જેમાં કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, રાઘવજીભાઈ પટેલ, ભગવાનભાઈ બારડ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી
ઉલ્લેખનીય છે કે, મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત વડાપ્રધાનથી માંડીને કેન્દ્રીય નેતાઓ તેમજ જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓ પાસે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર પણ કરાવવામાં આવ્યો હતો. જેના પરિણામે ગુજરાતમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવીને ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં સ્ટાર પ્રચારકો દ્વારા ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસને ભારે નુકશાનનો સમનો કરવો પડ્યો હતો. અને ગુજરાતમાં પાતાનું નસીબ અજમાવવા આવેલ આમ આદમી પાર્ટી પણ કઈ ખાસ કમાલ કરી શકી નથી. રાજકોટ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી.
ચૂંટણી જાહેર થઈ તે પૂર્વે ગોંડલના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળ્યો હતો. જે ગરમાવો મતદાનના દિવસ સુધી પણ યથાવત જોવા મળ્યો હતો. મતદાનના દિવસ સુધી અનિરુદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જૂથ વચ્ચે ચકમક ઝરતી રહી હતી. પરિણામ જાહેર થયા બાદ પણ જયરાજસિંહ અનિરુદ્ધસિંહ પર આડકતરી રીતે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રીબડા પટ્ટો અમારો છે કહેનારના દસ્તાવેજ પણ ભુંસાઈ ગયા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના નવ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો
આ વખતે એનસીપીએ છેલ્લી ઘડી સુધી મેન્ડેટ ન આપનાર કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પરથી ફોર્મ ભરીને ચૂંટણી લડી હતી. તો બીજી તરફ ભાજપે અહીંથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપતા મુકાબલો રોમાંચક બન્યો હતો. પરંતુ આ તમામની વચ્ચે કાંધલ જાડેજાએ 26712 મત સાથે વિજયી બન્યા હતા. આમ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના નવ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્રમાં સોનાના સુરજ સમાન ચાર બેઠક મેળવીને હરખાઈ રહી છે.