રાજકોટ: શહેરમાં એક મહિલાની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. બુકાનીધારી શખ્સે લિફ્ટમાં યોગા ટીચર સામે અશ્લીલ હરકતો કરી હતી. આરોપી આ મહિલાની છેડતી કરી તેમને માર મારી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારી જ વિગતો સામે આવી છે.
100થી વધુ મહિલા-યુવતીઓની છેડતી કરી ચૂક્યો છે
લિફ્ટમાં યોગા ટીચરની છેડતી કરનાર આરોપી કૌશલ પીપળિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે, તે બે વર્ષમાં 100થી વધુ મહિલા-યુવતીઓની છેડતી કરી ચૂક્યો છે. તે આવી રીતે જ મહિલાઓની છેડતી કરી ફરાર થઇ જતો હતો. જ્યારે આ મામલે આરોપીના પરિવારે તેની જાણ થતાં તેઓ પણ ભાંગી પડ્યા હતા. પુત્રના આવા કરતૂતથી તેમને આઘાત લાગ્યો છે.
મહિલાઓની છેડતી કરતાં આરોપીના પરિવારજનોએ જણાવ્યું કે, પોલીસ તેની વિરુદ્ધ કાયદેસરની તમામ કાર્યવાહી કરે. પરિવાર તરફથી આરોપીની કોઇ મદદ કરવામાં આવશે નહીં. પુત્રની હરકતની જાણ પરિવારને છતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. નોંધનીય છે કે, આસપાસના રહીશો પણ તેની આવી જ હરકતોની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તેનું વર્તન પહેલાથી જ એવું હતું. તે મોડી રાત્રે જ ઘરે આવતો હતો. તે એપાર્ટમેન્ટના પાર્કિંગ અને સીડીની લાઇટો પણ બંધ કરી દેતો હતો. આમ, આસપાસના લોકો પણ તેની હરકતોથી પરેશાન હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.