મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: રાજકોટમહાનગરપાલિકા (Rajkot Municipal Corporation-RMC) ના સહયોગથી હવે ધંધો કરવો આસાન સાબિત થશે. શહેરી ગરીબ લોકો (Urban poor people) માટે દીન દયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના(National Urban Livelihood Mission-DAY-NULM) ના સ્વરોજગાર બેન્કેબલ યોજના ઘટક હેઠળ ધંધો-રોજગાર શરૂ કરી શકે છે. જેમાં કોઈ વ્યક્તિ હોય તો રૂ. 2,00,000ની મહત્તમ મર્યાદામાં અને જૂથ હોય તો 10 લાખની મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત લોન મળે છે. આ યોજના હેઠળ લોન લેનારા લાભાર્થીને માત્ર 7 ટકા જ વ્યાજ ભરવાનું રહે છે.
લોન ભરવાનો ગાળો 5થી 7 વર્ષ
આ યોજનાના લાભાર્થીને 7 ટકાથી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ ઉપરાંત સ્વરોજગાર બેન્કેબલ યોજના લોન મેળવવા ઇચ્છતા કોઈપણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ કે જેઓ શહેરી ગરીબ હોઇ તેને રૂ.10 લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ લોનમાં પણ 7 ટકાથી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમય ગાળો 5થી 7 વર્ષનો રહેશે.
લોન મેળવવા માટે આ પ્રમાણપત્રો સાથે રાખવા
1. પાસપોર્ટ ફોટોગ્રાફ 2
2. ચૂંટણીકાર્ડ
3. આધારકાર્ડ
4. પાનકાર્ડ
5. સ્કૂલ લીવીંગ/જન્મનો દાખલો
6. મકાન વેરા બિલ
7. ડ્રાઈવિંગ લાઇસન્સ (વાહન લોન માટે)
8. લાઈટ બિલ
9. ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી /સહમતી પત્રક
10. ક્વોટેશન ઓરિજિનલ અને બેંક ખાતાની પાસબૂકની નકલ.
શહેરી ગરીબ પોતાની રીતે રોજગાર ઉભો કરી શકે છે
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓએ કામકાજના દિવસો દરમિયાન રાજકોટમહાનગરપાલિકા કચેરીના પ્રથમ માળ ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ અંગે ડેપ્યુટી મ્યુનસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, આ યોજના ભારત સરકારની છે, જેની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે.
જે શહેરી ગરીબો છે તેની રોજગારી માટે અનેક યોજના છે તે પૈકીની આ એક યોજના છે. જે શહેરી ગરીબ હોય તેને પોતે રોજગાર ઉભો કરી શકે દાખલા તરીકે કોઈને બ્યુટીપાર્લર કરવું છે, કોઈને રિક્ષા ખરીદવી છે, કોઈને પોતાના વ્યવસાયમાં લોનની જરૂર હોય તે રાષ્ટ્રીયકૃત અથવા ખાનગી બેંકમાં લોન લે તો તેમાં તેને 2 લાખની અને જૂથ હોય તો 10 લાખની મર્યાદામાં લોન મળી શકે છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ લાભાર્થીએ માત્ર 7 ટકા વ્યાજ ભરવાનું રહે છે. 7 ટકા ઉપર વ્યાજ થતું હોય તો સરકાર પોતે વ્યાજ ભરે છે. આપણે સીટ કેપિટલ કહીએ તેના માટે આ શ્રેષ્ઠ યોજના છે. આપણે શહેરીજનોને અપીલ કરીએ છીએ કે આ યોજનાનો મહત્તમ લાભ લે. આ યોજના 2014 પછી અમલમાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર