રાજકોટ : શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ એક બાદ એક ગુનાહિત કૃત્યના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવક પર હિસ્ટ્રીશીટર સહિત બે શખ્સો દ્વારા ફરીથી ખુની હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પોપટ પરાના બે યુવાનો પાનની દુકાને હતા ત્યારે હિસ્ટ્રીશીટર સહિતના બે શખ્સો તૂટી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પોપટ પરા વિસ્તારમાં રહેતા અસલમ બેલીમ અને હરપાલસિંહ પરમાર મંગળવારની રાત્રે ભગવતી પરાના પૂલ નીચે બેઠા હતા. ત્યારે ભગવતી પરાનો સાજન પરમાર અને રણજીત ઉર્ફે મહાદેવ ત્યાં ઘસી આવ્યા હતા. આ બંને શખ્સોએ પોપટ પરાના હનીફ તેમજ હરપાલ ઉપર ખૂની હુમલો કર્યો હતો.
જનૂની બનેલા હુમલાખોરોએ અસલમ અને હરપાલસિંહ ને પડખું તેમજ બેઠક અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. સમગ્ર મામલે દેકારો થતા આસપાસના વિસ્તારોના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા જેના કારણે હુમલાખોર હુમલો કરી નાસી ગયા હતા.
હુમલામાં ઘાયલ બંને યુવાનોને તાત્કાલિક અસરથી લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ પણ વાંચો :
તો બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાગ્રસ્ત બંને યુવકો સાડીના કારખાનામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ કુખ્યાત ગુલિયાના સાગરિત સજન પરમાર સાથે અગાઉ માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખી તેણે બંને યુવકો ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મળતી માહિતી મુજબ પોલીસે હુમલો કરનારા સાજન અને રણજીતને ગણતરીની જ મિનિટોમાં ઝડપી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.