Home /News /rajkot /રાજકોટમાં ગટર સાફ કરતી વેળા ગેસની અસરથી બે સફાઇકર્મીના મોત, પરિવારનું હૈયાફાટ આક્રંદ

રાજકોટમાં ગટર સાફ કરતી વેળા ગેસની અસરથી બે સફાઇકર્મીના મોત, પરિવારનું હૈયાફાટ આક્રંદ

પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી હોસ્પિટલનો માહોલ ગમગીન બન્યો હતો.

રાજકોટમાં ગટર સાફ કરતી વખતે સફાઇ કામદાર અને સફાઇ કોન્ટ્રાક્ટરનું ગટરના સફાઇ કામ સમયે મોત નીપજ્યું છે.

રાજકોટઃ શહેરમાં અવારનવાર ગટર સાફ કરતી વેળા સફાઇ કામદારનું મોત નીપજે છે. ત્યારે ફરી એકવાર ગટર સાફ કરતી વખતે સફાઇ કામદાર અને સફાઇ કોન્ટ્રાક્ટરનું ગટરના સફાઇ કામ સમયે મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં મેહુલ નામનો વ્યક્તિ ભૂગર્ભ ગટરની સફાઈ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે સફાઇ કોન્ટ્રાક્ટર અફઝલ ગટરમાં ઊતર્યો હતો. ત્યારે બંનેને ગેસની અસર થતા મેહુલ અને અફઝલ બંને બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની ટીમને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે 108એ ઘટનાસ્થળે જઈ બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. જેને લઈને બંને વ્યક્તિના પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ભારતના અનેક રાજ્યમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ

મૃતકના પરિવારમાંથી કોઈને નોકરી મળે તેવી માગ


બીજી તરફ મહાનગરપાલિકાના એન્જિનિયરે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે’. તો બીજી તરફ, સફાઈ કામદારના આગેવાને એવી માગ કરી હતી કે, મૃતકના પરિવારમાંથી કોઈને નોકરી મળે અને યોગ્ય વળતર આપવામાં આવે. આ અંગે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. મનપાના શાસક પક્ષના નેતાએ આ ઘટના મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતુ.


પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ


આ ઘટનાની જાણ થતાં જ બંને મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હૈયાફાટ રૂદનને કારણે સિવિલ હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. બીજી તરફ અન્ય સફાઇદારોને ઘટનાની જાણ થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બંનેના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો