રાજકોટ: શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે 17 વર્ષીય સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી તેને શારીરિક સ્પર્શ કર્યા બાબતનો ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે સગીરાના પિતાની ફરિયાદના આધારે રાહુલ ઉતેરીયા તેમજ રામો ઉતેરીયા નામના બે ભાઈઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 363, 366 તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પીઆઇ મયુરધ્વજ સિંહ સરવૈયા અને તેમની ટીમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
પીડિતાના પિતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તેમની દીકરીની ઉંમર 17 વર્ષ છે. જે બાબતની જાણ રાહુલ ઉતેરીયાને હોવા છતાં તેણે તેના ભાઈ રામો ઉતેરીયા દ્વારા સોરઠીયા વાડી સર્કલથી નવાગામ તેના ઘરે પહોંચાડી હતી. જ્યાં આરોપી રાહુલ ઉતેરીયા દ્વારા સગીરાને લગ્નની લાલચ આપી તેને શારીરિક સ્પર્શ કર્યો હોવાનું જણાવ્યું છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, રામનવમીના દિવસે પીડિતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો. દરમિયાન 1લી એપ્રિલના રોજ ભક્તિનગર પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વિલન્સના માધ્યમથી પીડિતાને જે જગ્યાએ રાખવામાં આવી હતી ત્યાંનું એડ્રેસ મળી જતાં પીડિતાનું તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. તેમજ બંને આરોપી ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈઓ છૂટક મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ, ભક્તિનગર પોલીસની મદદથી એક સગીરાનું તેના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ફરિયાદીને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે. ફરિયાદીની મોટી દીકરીએ પણ એક વિધર્મી યુવાન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. તે સમય પણ તેમને પોલીસનો સહારો લેવો પડ્યો હતો.