Rajkot School Matter, Sevantra Village School: કડકડતી ઠંડીમાં બાળકોને ખુલ્લામાં ભણાવવામાં આવતા હોવાના મુદ્ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ મામલે News18 Gujaratiનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
રાજકોટ, સેવંત્રાઃ એક તરફ કાતિલ ઠંડીમાં કેટલીક સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. સેવંત્રાની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડા તોડી પાડ્યા પછી નવા ઓરડા ના બન્યા હોવાથી વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં મેદાનમાં બેસીને ભણવું પડી રહ્યું છે. હવે આ મામલે સવાલ ઉઠી રહ્યો છે કે બાળકો ઠૂંઠવાતી ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે તેના માટે જવાબદાર કોણ છે? એક તરફ શિક્ષણ અધિકારીએ આ મામલે ગોળગોળ જવાબ આપતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તેમને તેમને યોગ્ય તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે. આ સાથે ધારાસભ્યએ NEWS18 Gujaratiનો બાળકોના મુદ્દાને ગંભીરતાથી લઈને જે મુદ્દો ઉઠાવ્યો છે તે મામલે આભાર વ્યક્ત કર્યો છે.
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે અને 9 મહિનાથી રૂમ બનાવવા માટેની મંજૂરી મળી હોવા છતાં ઓરડા બનાવવામાં આવ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ઠંડીમાં ખુલ્લામાં બેસીને ભણવું પડી રહ્યું છે. બીજી તરફ તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા જણાવી રહ્યા છે કે આવી કોઈ બાબત છે જ નહીં. તાલુકા પ્રમુખે આ મામલે શાળાની મુલાકાત લેવાની વાત કરી છે અને વિરોધ પક્ષ દ્વારા ખોટી વાત ઉપજાવવામાં આવી રહી હોવાનું કહી રહ્યા છે.
બીજી તરફ શિક્ષણ અધિકારી બીએસ કૈલાએ પણ આ પ્રકારની સ્થિતિ હોવાની વાતને ફગાવી છે વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીની તૈયારી માટે બહાર લાવવામાં આવ્યા હોવાનું કહીને આ અંગે વધુ તપાસ કરાવવાની વાત બીએસ કૈલા દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ માટે CCTV ફૂટેજ પણ મગાવવામાં આવ્યા છે.
અધિકારીએ કરેલી રજૂઆત સામે સરપંચના પતિ પોલાભાઈ બારિયાએ ઓરડા બનાવવાની કામગીરી આગળ વધી રહી ના હોવાનું જણાવ્યું છે. શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસ કરવાની વાત કરીને જવાબદારો સામે પગલા ભરવામાં આવશે.
પોલાભાઈએ કહ્યું કે, વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે પરંતુ રૂમ જ નથી તો વિદ્યાર્થીઓએ તો બહાર જ બેસવું પડે ને?
રાજકોટના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ વિશે જણાવ્યું કે, તેમને આ વિશે ન્યૂઝ 18ના માધ્યમથી આ વિગતો મળી છે અને આ અંગે શિક્ષણ અધિકારીને તાત્કાલિક જાણ કરી છે. આ મામલે તપાસ કરીને મને રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે. ધારાસભ્યએ કહ્યું, કે તેમને જે વિગતો મળી છે તેમાં 26મી જાન્યુઆરીની તૈયારી માટે બાળકોને બહાર લાવવામાં આવ્યા હતા. આ સાથે તેમણે આમાં સ્થાનિક રાજકારણના લીધે મુદ્દો ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે.
ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ન્યૂઝ 18ના અહેવાલને ધ્યાનમાં રાખીને શિક્ષણ અધિકારી બીએસ કૈલાને સ્થળ પર જઈને તપાસ કરવા માટે સૂચના આપી છે. પાડલિયાએ જણાવ્યું કે, સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને લેખિત રિપોર્ટમાં મને જાણ કરો, અને સરકારનું પણ આપણે આ મામલે ધ્યાન દોરીશું.
તેમણે આ પ્રકારની કામગીરી માટે ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. બાળકોની આવી સ્થિતિ હોય તો આપણે તેને ગંભીર બાબત ગણીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે, બાળકોને તકલીફ ના પડે તે તમારી અને અમારી આપણી સૌની જવાબદારી છે. આ મામલે જવાબદારો સામે પગલા ભરવાની વાત કરીને ધારાસભ્યએ શાળાના ઓરડા વધારવા અંગે પણ સરકાર સુધી વાત પહોંચાડવાની બાંહેધરી આપી છે.