રાજકોટમાં ગત 31મી માર્ચે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રામવન પાસે મહાનગરપાલિકાના ડ્રેનેજ પમ્પિંગ સેન્ટર ખાતે વાલ્વમેન તરીકે નોકરી કરતા વ્યક્તિનું ડ્રેનેજ ટેન્કમાં પડી જવાથી મોત નીપજ્યું હતું.
રાજકોટઃ શહેરમાં ગત 31મી માર્ચે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રામવન પાસે મહાનગરપાલિકાના ડ્રેનેજ પમ્પિંગ સેન્ટર ખાતે વાલ્વમેન તરીકે નોકરી કરતા મુકેશભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 21)નું ડ્રેનેજના ટાંકામાં પડી જતા ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતક મુકેશ રાઠોડના પિતા પ્રતાપભાઈ રાઠોડની ફરિયાદના આધારે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસીની કલમ 304a 114 મુજબ સીગલ ઇન્ફ્ર્રા કોમ પ્રાઇવેટ લિમિટેડના કિશોરભાઈ તેમજ આરએમસીના જવાબદાર અધિકારી તેમજ તપાસમાં ખૂલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, ‘પુત્ર મુકેશ રાઠોડ રાજકોટ શહેરના કોઠારીયા રીંગ રોડ બાયપાસ હાઈવે પર આવેલા આજી નદીના પુલ પાસે મહાનગરપાલિકાના ડ્રેનેજ પંપિંગ સ્ટેશનમાં નોકરી કરતો હતો. ગત 31 તારીખે મારો દીકરો વાલ્વ ખોલવા જતા ડ્રેનેજના ટાંકાની જાડી ખૂલ્લી હોવાના કારણે ટાંકામાં પડી ગયો હતો. ગંદા પાણીનો ફ્લો વધુ હોવાના કારણે તે ગંદુ પાણી પી જવાથી ગૂંગળામણના કારણે મારા દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મારા દીકરાના મૃત્યુ પાછળ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતના સલામતીના સાધનો આપવામાં નહોતા આવ્યા. તેમજ કોઈપણ કર્મચારીને કોઈપણ જાતની ટ્રેનિંગ પણ આપવામાં નહોતી આવી.’
ઉલ્લેખનીય છે કે, દલિત આગેવાન ડી.ડી સોલંકી સહિત અનેક સભ્યોએ સમગ્ર મામલે કલેકટર સહિતના અધિકારીઓને પણ રજૂઆત કરી હતી. તેમજ મૃતકના પરિવારજનોને આવાસ કાયમી નોકરી તેમજ આર્થિક સહાય મળે તે અંગેની માંગણી પણ કરવામાં આવી હતી. જો કે, તંત્ર દ્વારા હજુ પણ કેટલીક માગ સંતોષવામાં ન આવતા મૃતકની લાશ હજુ પણ તેમના પરિવારજનો દ્વારા સ્વીકારવામાં નથી આવી. તેમજ મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ રાજકોટ ખાતે પીડિત પરિવારજનોને મળવા આવી રહ્યા છે.