રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં જાણીતી તેવી પુજારા ટેલિકોમના મેનેજરે 11.65 લાખની મત્તાની ઉચાપત કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5.50 લાખના ગેજેટ્સ અને 6.15 લાખની ઉચાપત
પ્રાપ્ત માહિતી અનુસાર, પુજારા ટેલિકોમમાં ઝોન સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવનારા મયુર જાદવે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, હુડકો બ્રાન્ચમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવનારા મનોજ ચૌહાણ નામના વ્યક્તિએ કુલ 18 મોબાઈલ, એક હેન્ડ્સ ફ્રી તેમજ એક એપલ કંપનીનું ચાર્જર, એક સ્માર્ટ વોચ મળી કુલ 5.50 લાખ તેમજ બ્રાન્ચના હિસાબની 6.15 લાખ જેટલી રકમ જમા કરાવી નથી. આ તમામ મત્તા તેમજ રોકડ જમા નહીં કરાવી કંપની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી છે. આ સમગ્ર મામલે મેનેજર મનોજ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આરોપીને સકંજામાં લીધા બાદ જ તમામ બાબત અંગે સાચો ખ્યાલ આવશે કે, આખરે શા માટે ત્રણ વર્ષથી મેનેજર પદ પર રહેલા તેમજ છેલ્લા સાત વર્ષથી પુજારા ટેલિકોમ સાથે સંકળાયેલા મનોજ ચૌહાણે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરવાની ફરજ કેમ પડી હતી. તેમજ જે જે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ મિસિંગ છે તે અન્ય કોઈને વેચી નાખ્યા છે કે કેમ, તે બાબતે પણ પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સરદાર નગર મેન રોડ પર આવેલ પુજારા ટેલિકોમની બ્રાન્ચ માત્ર રાજકોટ શહેર પૂરતી સીમિત છે. પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં તેમજ તાલુકા મથકે પણ તેમની બ્રાન્ચ આવેલી છે. નોંધનીય છે કે, વર્ષ 2021માં આઈટી વિભાગ દ્વારા પુજારા ટેલિકોમને ત્યાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.