રાજકોટ: શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદે હથિયાર સાથે ભાવેશ તલપરા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 10 હજારની કિંમતનો ગેરકાયદેસર તમંચો તેમજ એક કાર્ટિઝ કબજે કરી છે. પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, પોતાની પત્નીને ઉઠાવી જનાર વ્યક્તિની હત્યા કરવી હતી. જેના કારણે તે પોતાના પાસે ગેરકાયદેસર હથિયાર રાખતો હોવાનું પોલીસને જણાવ્યું છે.
ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા ભાવેશ તલપરા નામનો વ્યક્તિ પોતાના ઘર પાસે ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો છે. પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ કોન્સ્ટેબલ મહેશ મંઢ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ભાવેશ તલપરા નામના વ્યક્તિની અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી ગેરકાયદેસર હથિયાર તેમજ કાર્ટિઝ મળી આવી હતી.
પોલીસે ભાવેશને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેને પોલીસને જણાવ્યું છે કે, દસ વર્ષ પૂર્વે તેના લગ્ન ખોડીયાર પરામાં રહેતી સોનલ નામની યુવતી સાથે થયા હતા. સોનલ સાથે લગ્ન થયા બાદ સોનલ થકી તેને એક પુત્ર અને એક પુત્રી પણ થઈ હતી. અંદાજિત નવ માસ પૂર્વે તારા પીપળીયાનો તેનો એક પૂર્વ પ્રેમી સાગર ડાંગર તેને ભગાડીને લઈ ગયો હતો. જે સમયે સોનલ ઘરેથી ભાગી હતી ત્યારે ચાર વર્ષની પુત્રીને તે પોતાની સાથે લઈ ગઈ હતી. તેમજ સાત વર્ષના પુત્રને પતિના ઘરે છોડીને ચાલી નીકળી હતી.
કોણે કરી આપી તમંચાની વ્યવસ્થા?
આમ દસ વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ કરીને સોનલને તેનો પૂર્વ પ્રેમી સાગર ભગાડી જતા ભાવેશ દ્વારા પોતાની પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેને લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા તેમજ અગાઉ લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ધર્મેશ ડાભીએ પૈસા લઈને તમંચાની વ્યવસ્થા કરી આપી હતી.