રાજકોટ : શહેરમાં વધુ એક યુવાને સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધાનું બનાવો સામે આવ્યો છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિરના પાછળના ભાગમાં રહેતા કુલદીપે પોતાના જ ઘરે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં યુવકે લખેલ અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર ઇસ્કોન મંદિરના પાછળના ભાગમાં રૂડા નગર ત્રણમાં રહેતા કુલદીપભાઈ ભટ્ટીએ પોતાના ઘરે પંખાના ભાગે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી યુનિવર્સિટી પોલીસના સ્ટાફ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સંબંધિત લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે પીએમની કાર્યવાહી પૂર્ણ થઈ ગયા બાદ મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. પોલીસની તપાસમાં મૃતક પાસેથી એક ચીઠી પણ મળી આવી છે. જેમાં તેને લખ્યું હતું કે હું, રાજી ખુશીથી આ પગલું ભરી રહ્યો છું. હું જિંદગીથી કંટાળી ગયો છું. મારા પગલા પાછળ મારા માતા-પિતા કે બીજા કોઈનો કંઈ જ વાંક નથી.
ત્યારે કુલદીપ ભટ્ટીએ શા માટે આ પ્રકારે આત્મઘાતી પગલું ભરવાની ફરજ પડી તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં યુવકના મૃત્યુ અંગે કયું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો પોલીસે યુવકની ચિઠ્ઠી કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ભટ્ટી પરિવારના આશાસ્પદ યુવાનનું આ પ્રકારે મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.