Rajkot Cold, Old Man Heart Attack Death:રાજકોટમાં ઠંડીમાં વાડીએથી પરત ફરતા વૃદ્ધનું હૃદય બેસી જતા મોત થયું છે. વૃદ્ધ તળશીભાઈ દેવજીભાઈ ઉઘાડને બાઈક પર જતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ ચાલુ બાઈકે ફસડાઈ પડ્યા હતા. તેમને આ દરમિયાન ગંભીર ઈજાઓ પણ થઈ હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટઃ ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ઠંડુગાર શહેર રાજકોટ બન્યું છે. રાજકોટ શહેરમાં આજરોજ ન્યૂનતમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઠંડીના કારણે વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડતી હોય છે. ડૉક્ટરો દ્વારા પણ તેમને ઠંડી વધુ હોય તો સાવધાની રાખવા અને બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવે છે. આવામાં રાજકોટમાં ઠંડીના કારણે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હોવાનું ઘટના બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના જાળીયા ગામે રહેતા તળશીભાઈ દેવજીભાઈ ઉઘાડ નામના વૃદ્ધ પોતાનું બાઈક લઇ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને હાર્ટ એટેક આવી જતા તેઓ ચાલુ બાઈકે નીચે પટકાયા હતા. ચાલુ બાઈકે પડવાના કારણે તળશીભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધ બે ભાઈ અને એક બહેનમાં વચેટના હોવાની માહિતી મળી છે. તેમજ મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક વૃદ્ધ તળશીભાઈ ખેતી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર મહિનાના અંતમાં રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર પાસે એક વ્યક્તિનું રાત્રીના બે વાગ્યાના અરસામાં ઠંડી લાગવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું બનાવ બન્યો હતો. તેમજ આ મહિનામાં જ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી એવી જસાણી સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી રિયા નામની વિદ્યાર્થિનીને વર્ગખંડમાં ધ્રૂજારી ઉપડયા બાદ તે જમીન પર પટકાઈ હતી. તાત્કાલિક અસરથી વિદ્યાર્થિનીને રાજકોટ શહેરની દોશી હોસ્પિટલ ખાતે ખસેડવામાં પણ આવી હતી. પરંતુ ત્યાં ફરજ પર હાજર રહેલા તબીબે તેને મૃત જાહેર કરી હતી.