રાજકોટ: શહેરમાં હવે આશ્રમ પણ સુરક્ષિત નથી તે પ્રકારની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મનહરપુર એક ગામમાં આશ્રમમાં રહેતાં સાધ્વી સાથે છેડતીની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને પોતાના સકંજામાં લીધો હોવાનું સામે આવ્યું છે.
કોનું કામ છે?, આરોપી બોલ્યો- તમારું જ કામ છે
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મનહરપુર-1 ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર આશ્રમમાં છેલ્લા નવ વર્ષથી એક સાધ્વીજી સેવા પૂજા કરી રહ્યા છે. તેમણે યુનિવર્સિટી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે રાત્રે મંદિરના બાજુના હોલમાં જ્યારે સૂતા હતા, ત્યારે તેમના ગુરુ તેમના રૂમમાં સૂતા હતા. આ દરમિયાન રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અજાણી વ્યક્તિએ દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખટખટાવતા કોણ ખટખટાવી રહ્યું છે, તે જોવા હું જ્યારે પહોંચી તો મેં જોયું કે કોઈ અજાણ્યો શખ્સ દરવાજો ખટખટાવી રહ્યો છે. મેં તેને કોનું કામ છે? તેવું પૂછતા તેને કહ્યું કે, તમારું કામ છે. જ્યારે મેં પૂછ્યું કે રાત્રિના સમયે શું કામ છે? તમારે જે કંઈ પણ કામ હોય તમે સવારે આવજો. તેના જવાબમાં અજાણ્યા શખ્સે કહ્યું હતું કે, રાત્રિના અત્યારે શું કામ હોય? અજાણ્યો શખ્સ ત્યાંથી ન જતા મેં આશ્રમમાં સેવા આપનાર લાલાભાઇ ડોડીયાને ફોન કરીને આશ્રમે જલ્દી આવવા જણાવ્યું હતું. થોડા સમય બાદ તે શખ્સ જતો રહ્યો છે કે કેમ તે જોવા માટે મેં દરવાજો ખોલતા તે શખ્સ અંધારામાં દોડી આવી મારો હાથ પકડી મારી સાથે છેડછાડ કરવા લાગ્યો હતો.
આ દરમિયાન મેં બળનો પ્રયોગ કરી હાથ છોડાવી ગૃરૂ શાલીગ્રામદાસ બાપુના રૂમ તરફ દોડ મૂકી તેમને જગાડ્યા હતા. દરમિયાન લાલાભાઇ ડોડીયા પણ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. મારી સાથે આવું વર્તન કરનારની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભરતભાઈ સીતાપરા હોવાનું જણાવ્યું હતું. પરોઢિયે પોલીસની વાન આશ્રમ ખાતે દોડી આવતા નશાખોર શખ્સે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તે દિવાલ કૂદી ભાગવા જતા ભંગાર તેમજ જાડી ઝાખરાના ખાડામાં ખાબકતા તેને ઇજા પણ પહોંચી હતી.