રાજકોટ : શહેરમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ છે ત્યારબાદ જે પ્રકારે lockdown લાદવામાં આવ્યું હતું, જેના કારણે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર નોકરી ખોવાનો વારો આવ્યો હતો.
ત્યારે રાજકોટ શહેરમાં ફોરેન્સિક લેબના ટાઇપીસ્ટે આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી રોડ પર આવેલી શિવ શક્તિ કોલોનીમાં રહેતા વિષ્ણુભાઈ જોષી નામના 55 વર્ષીય વ્યક્તિએ રાત્રીના બે વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીવાના કારણે વિષ્ણુ ભાઈને ઝેરી અસર થતાં તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિષ્ણુભાઈ જોશી ખાનગી શાળામાં નોકરી કરતા હતા. પરંતુ lockdown ના કારણે સ્કૂલો બંધ થતાં તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. બાદમાં તેમણે ઘરનું ગુજરાન ચલાવવા માટે એફ.એસ.એલ.ની લેબમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી સ્વીકારી હતી. પરંતુ ઓછા પગારના કારણે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે કે આપઘાતના પ્રયાસનો બીજો બનાવ રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન પાસે બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતા વિશાલભાઈ કણસાગરા ગામના પટેલ યુવાને શાસ્ત્રી મેદાન પાસે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો પણ હોસ્પિટલે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં વિશાલ જણાવ્યું હતું કે, જામનગરમાં તેનું બ્રાસનું કારખાનું આવેલું છે. ધંધા માટે તેણે ઈરફાન નામના શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે પૈકી તેને સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ઈરફાન દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પૈસા નું સેટીંગ કરવા આવ્યો હતો પરંતુ પૈસા નો મેળ ન થતા તેણે આપઘાતનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું હતું.