રાજકોટ : શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પતિ જન્મ દિવસે પત્ની સાથે હોટેલમાં જમવા ગયો હતો. જ્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન કોઈને કોઈ કારણોસર આપઘાતના બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ઘર કંકાસના કારણે પ્રજાપતિ યુવાને ઝેર પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલા ફોરેન્સિક લેબ પાસે ઋષિકેશ સોસાયટીમાં રહેતા હિરેન જગદીશભાઈ મંડલી નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પીધા હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં પહોંચીને યુનિવર્સિટી પોલીસ દ્વારા ઝેરી દવા પી લેનાર યુવક તેમજ તેના પરિવારજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
હિરેનના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, હિરેન હાલ છૂટક કડિયા કામ કરે છે. એકાદ વર્ષ પહેલા તેના હિના નામની છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે બુધવારના રોજ હિરેનનો જન્મદિવસ હોવાથી તે પોતાની પત્ની હીનાને લઈને હોટલમાં જમવા ગયો હતો. જ્યાં મોડું થઈ જતા હિરેને હોટલમાં જમવાની જગ્યાએ હોટલમાંથી પાર્સલ લેવાનું કહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
આ ઝઘડો ઘરે આવ્યા બાદ વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારે હિરેને હીના પર હાથ ઉપાડ્યો હતો આથી તેની પત્ની હિના પાછળની શેરીમાં રહેલ પોતાના માવતરના ઘરે ચાલી ગઇ હતી. ત્યારે તમામ બાબતો અંગે હિરેનને લાગી આવતા તેણે જીવન ટૂંકાવવાનો વિચાર કરતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.