Home /News /rajkot /રાજકોટઃ યુવાન બાઈક લઈને ખાડામાં પડતા ઘટના સ્થળે જ મોત, તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા માર્યા!
રાજકોટઃ યુવાન બાઈક લઈને ખાડામાં પડતા ઘટના સ્થળે જ મોત, તંત્રએ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા માર્યા!
રાજકોટમાં બાઈક લઈને ખાડામાં પડેલા યુવકનું મોત થયું
Rajkot Death: રાજકોટમાં રૈયા રોડ પર રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં યુવક બાઈક લઈને પડી જતા જીવ ગુમાવ્યો છે. ઘટના બાદ યુવકને બચાવવાનો પ્રયાસ કરાયો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટના બાદ તંત્ર સામે લોકો સામે ગુસ્સો ભભૂકી રહ્યો છે. તંત્રએ ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા માર્યા છે.
રાજકોટઃ રાજકોટ શહેરમાં વધુ એક ગોઝારી ઘટના બની છે, બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં પડતા તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી સાથે ગુસ્સો ઉકળી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવી રહ્યો છે. શહેરમાં બનેલી આ ઘટના બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટના રૈયા રોડ પર ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી હર્ષ ઠક્કર નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની બાઈક લઈને ખાડામાં પડ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ખાડો રાજકોટ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવ્યો હતો, જેના કારણે લોકો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
લોકો મદદ માટે દોડ્યા પણ યુવકને બચાવી શકાયો નહીં
કંસ્ટ્રક્શન માટે જે ખાડો ખોદવામાં આવ્યો હતો તેમાં હર્ષ બાઈક લઈને પડી ગયો હતો. ઘટના બાદ લોકોના અહીં એકઠા થઈ ગયા હતા, પરંતુ હર્ષનો જીવ બચાવી શકાયો નહોતો. મૃતક હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો. રાજકોટમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી.
આ અંગે વિરોધ ઉઠી રહ્યો છે કે આ રીતે ખાડા ખોદવામાં આવ્યા હોય તો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે બેરિકેટ્સ મૂકવા જોઈએ પરંતુ તેમ કરવામાં આવ્યું નહોતું. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ વ્યક્તિ ખાડામાં પડ્યા પછી અમે તેમને બહાર કાઢ્યા હતા પરંતુ તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
હર્ષના પિતાએ જણાવ્યું કે, "તેની બાઈકમાં પંચર પડ્યું હતું અને તેનો ફોન આવ્યો હતો મેં તેને ટ્યુબ બદલવાનું કહ્યું હતું. પરંતુ 15 મિનિટ સુધી તેનો ફોન આવ્યો નહોતો, પછી મેં તેને ફોન કર્યો પરંતુ તેને ઉપાડ્યો નહોતો. 5 મિનિટ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મને તાત્કાલિક ઈન્દિરા સર્કલ આવવા માટે કહ્યું હતું. મેં ત્યાં જઈને જોયું તો તેને ખાડામાંથી બહાર કાઢેલો હતો." પિતાએ પણ તંત્રની બેદરકારી સામે સવાલ ઉભા કર્યા છે.
ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી ઘટના સર્જાઈ છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ખાડા ફરી કોઈ પડે નહીં તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ સાથે પોલીસના જવાનો પણ આ વિસ્તારમાં પહોંચ્યા હતા.