રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હોવાની વિગત સામે આવી છે. સમગ્ર મામલે હિરેન નરેન્દ્રસિંહ જાદવ નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર, પ્રેમસંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર મામલે હત્યાનો ભોગ બનનાર હિરેન જાદવના મિત્ર અમન મકવાણાની ફરિયાદ પરથી પોલીસે પરસોત્તમ ઉર્ફે પરેશ તેમજ જ્યોત્સના ઉર્ફે ખમ્મા વિરુદ્ધ આઇપીસીની કલમ 307, 323, 504, 114, 135 મુજબ ગુનો નોંધ્યો હતો. જોકે, બાદમાં સારવારમાં રહેલા યુવકનું મૃત્યુ નીપજતા સમગ્ર મામલે આઇપીસીની કલમ 302નો ઉમેરો કરવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા પ્રેમસંબંધ તૂટ્યો હતો
ભોગ બનનારના મિત્રએ પોલીસને જણાવ્યું હતું કે, હિરેન જાદવ સ્કૂલ વેન ચલાવતો હતો. વર્ષ પૂર્વે જ્યોત્સના ઉર્ફે ખમ્મા સાથે તે પ્રેમસંબંધમાં બંધાયો હતો. થોડા સમય પૂર્વે જ્યોત્સના ઉર્ફે ખમ્માએ પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ તેણે પરસોત્તમ ઉર્ફે પરેશ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે જ રહેતી હતી. હિરેનને આ બાબત પસંદ ન હોય તે બાબતે માથાકૂટ પણ ચાલતી હતી.
આ દરમિયાન સંક્રાતના દિવસે સાંજના સમયે હિરેન જાદવ તેમજ હું રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં રહેતી જ્યોત્સનાના ઘર પાસે જતા હતા. આ સમયે જ્યોત્સના અને પરસોત્તમ ત્યાં આવી પહોંચ્યા હતા. આ સમયે બોલાચાલી થતાં પરસોત્તમએ છરીનો ઘા હિરેનના પેટના ભાગે મારી દીધો હતો. તેમજ અન્ય જગ્યાએ પણ છરીના ઘા ઝીંક્યા હતા. હું છોડાવવા જતા જ્યોત્સનાએ લાકડી વડે મારી ઉપર પણ હુમલો કર્યો હતો.
પૂર્વ પ્રેમિકાએ પણ ગુનો નોંધાવ્યો
સામા પક્ષે હિરેનની પૂર્વ પ્રેમિકા જ્યોત્સના ડાંગરએ પણ હિરેન જાદવ, અમન અને રોહન વિરુદ્ધ આઇપીસીની કલમ 307, 324, 323, 504, 114, 135 મુજબ ગુનો નોંધાવ્યો છે. જ્યોત્સના એ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉ મારે હિરેન જાદવ નામની વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હતા. જે સંબંધ રાખવાની ના પાડતા તેમજ હાલમાં પરસોત્તમ સાથે મારે મૈત્રી કરાર હોય હિરેન તેમ છતાં મને પરાણે સંબંધ રાખવાનો કહી મારી સાથે માથાકૂટ કરતો હતો. પરસોતમ અને હિરેન વચ્ચે હું પડતા મને આંગળીના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ હિરેન સાથેના શખ્સોએ લાકડી વડે મને માર પણ માર્યો હતો.