રાજકોટ: શહેર બાદ રાજકોટ ગ્રામ્યમાં પણ શરાબી ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં શરાબી ડાન્સનો વીડિયો વાયરલ થતા લોધિકા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. લોધિકા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી દારૂની બોટલ સાથે ઝૂમી રહેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં લોધિકા પોલીસ સ્ટેશન PSI વી. બી. ચૌહાણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગ દરમિયાન દાંડીયારાસમાં હાથમાં દારૂની બોટલ સાથેના ઇસમોનો વીડિયો વાયરલ થયો હતો. જે અંતર્ગત વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિઓની શોધખોળ કરતા વીડિયોમાં દેખાઈ રહેલા શખ્સ ગોપાલભાઈ વલ્લભભાઈ સોલંકી તેમજ અજીતભાઈ કનકભાઈ પરમાર હોવાનું ખુલ્યું હતું.
બંને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામના રહેવાસી હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી લોધીકા પોલીસની ટીમ ખીરસરા ગામે પહોંચી હતી. ત્યારે બંને વ્યક્તિઓને લોધિકા પોલીસ સ્ટેશન ખાતે લાવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ગોપાલ સોલંકીએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વિડિયો એક વર્ષ પૂર્વેનો છે. એક વર્ષ પૂર્વે પાંચ ફેબ્રુઆરી 2022 ના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો. જે દરમિયાન આ વિડીયો બનાવ્યો હોવાનું પણ તેને કબૂલ્યું છે.
બંને વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જતા બંનેના ચહેરા પરની ચમક ઉડી ગઈ હતી. તેમજ પોલીસ દ્વારા પણ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા " બકરી "ની જેમ બે બે કરવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ ગોપાલ સોલંકી સંબંધીના લગ્નના ફુલેકામાં જોડાયો હતો. ત્યારે તે મિત્રોના ખભા પર ચડીને દારૂનો નશો માણી રહ્યો હતો. જે સમયે ત્યાં હાજર રહેલા વ્યક્તિએ વિડિયો બનાવ્યો હતો. આમ એક વર્ષ પૂર્વે કરેલો નશો પણ પોલીસે વિડીયો વાયરલ થતા ઉતારી નાખ્યો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે હાલ ગોપાલ વલ્લભભાઈ સોલંકી અને અજીતભાઈ કનકભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.