રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં બે દિવસ સુધી કમોસમી વરસાદનું વાતાવરણ યથાવત જોવા મળ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લામાં ત્રંબા અને જસદણમાં વીજળી પડી હતી. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એક ખેડૂતનું મોત થયું છે.
ત્રંબાના ખેડૂતનું વીજળી પડવાથી મોત
રાજકોટ જિલ્લાના ત્રંબામાં વાડીમાં કામ કરી રહેલા કમલેશભાઈ ટીંબળીયા નામના 44 વર્ષીય ખેડૂત કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. જેને લઈને તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તેમને હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં તેમને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતા બનાવ બાબતની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ, ટીંબળીયા પરિવારના આંગણે ધૂળેટીના તહેવાર સમયે જ શોકનું મોજુ ફરી વળ્યું હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે.
ઘર પર વીજળી પડતાં પતરાં તૂટ્યાં
અન્ય એક બનાવમાં જસદણના ધોબી કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર જ્યારે રાત્રે જમી રહ્યો હતો. ત્યારે વીજળી પડતા એક સગીર સહિત ત્રણ જેટલા વ્યક્તિઓને નાનકડી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અચાનક જ વીજળી પડતા પરિવારજનો ડરી ગયા હતા. વીજળી પડવાના કારણે ઘરના પતરા તૂટી ગયા હતા. તેમજ ઘરવરખરી પણ વેરવિખેર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ સમી સાંજે કમોસમી વરસાદ વરસતા જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જુદી જુદી જણસી પલળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.