રાજકોટઃ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરીયાની વરણી કરવામાં આવી છે. અલ્પેશ ઢોલરીયા હાલમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. જો કે, તેઓ એક સમયે ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતા હતા અને ત્યારે ડ્રાઇવર તરીકે કામ કરીને પોતાની રોજીરોટી મેળવતા હતા.
રાજકોટ શહેર અને જિલ્લાના પ્રમુખની વરણી યોજવામાં આવી હતી. રાજકોટ શહેરના પ્રમુખ કમલેશ મેરાણીની બદલે મુકેશ દોશીની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખ ખાચરિયાને બદલે અલ્પેશ ઢોલરીયાની નિમણૂંક પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી હતી.
અલ્પેશ ઢોલરીયા હાલમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે છે. તે ગોંડલ તાલુકાના નાના લીલાખા ગામના વતની છે. અલ્પેશ ઢોલરીયાએ અગાઉ ગ્રામ્ય લેવલથી લઈને જિલ્લા લેવલ સુધી સંગઠનમાં અલગ અલગ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત પ્રદેશ ભાજપ દ્વારા તેમની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
અલ્પેશ ઢોલરિયાએ થોડાં વર્ષો પહેલા જ ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતા હતા. તે સમયે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે ટેમ્પો ભાડે લઈ આવતા અને ભાડાના ટેમ્પોમાં ડ્રાઇવર તરીકેની ફરજ બજાવીને રોજી રોટી કમાતા હતા. તેઓ નાના લીલાખામાં ખેડૂતોને વિવિધ પાક લઈને પોતાના ભાડાના ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરીને ગોંડલ યાર્ડ સુધી આવતા અને એક ડ્રાઇવર તરીકે પોતે કામ કરતા હતા. જો કે તેઓ પોતાના જ ગામમાં યોજાતી ભાજપની સભામાં સનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તાલુકા ભાજપના આગેવાનોની નજરમાં તેમની કામગીરી નજરમાં આવી હતી. પહેલાં પોતાના ગ્રામ્ય વિસ્તારની જવાબદારી બાદમાં તાલુકા લેવલે સંગઠનની જવાબદારી અને ત્યારબાદ જિલ્લા લેવલે પણ સંગઠનની અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. છેલ્લે ગોંડલ યાર્ડની ચૂંટણીમાં તેઓ ચેરમેન બન્યા હતા.