રાજકોટઃ સામાન્ય રીતે લોકો લક્ઝુરિયસ કાર પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, પરંતુ ગોંડલના ગીર ગૌજતન સંસ્થાએ લાખ્ખો રૂપિયાનો નંદી ખરીદ્યો છે. ત્યારે વિચારવા જેવી વાત છે કે, આજના સમયમાં લાખ્ખો રૂપિયા નંદી પાછળ કેમ ઇન્વેસ્ટ કર્યા હશે. તો આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યુ હતુ કે, ‘આ રજવાડી નંદી 42 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે. ગીર ગૌજતન સંસ્થાના માધ્યમથી સો જેટલા પરિવારને રોજગારી મળી રહી છે. તેનું કારણ છે સારી પ્રજાતિની ગાય. પરંતુ આ નંદી લેવાનું કારણ આ સંસ્થામાં રહેલી 250 જેટલી ગાયોને આગળના સમયમાં વાછરડા અને વાછરડીની ઉત્તમ ઓલાદ તૈયાર થાય, જેથી તેમની નસલના ભાવ સારા આવે. પાંચ વર્ષમાં આ નંદીની કિંમત કરતાં દસ ગણું વળતર મળી રહેશે તેવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.’
1100 ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ
આ ગીર રુદ્ર નંદીની ખાસિયત એવી છે કે, ઉતમ પ્રકારના દેશી નસલનો હોવાની સાથે તેની વ્યાખ્યા વેદમાં પણ વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત આ નંદીમાં માણસ કરતાં પણ સારા ગુણ-સંસ્કાર છે. આ નંદીથી આગામી સમયમાં ઉત્તમ ગૌવંશનું ઉત્પાદન થશે. તેમાં વાછરડા અને વાછરડી તૈયાર થશે. ગીર ગૌજતન સંસ્થાના માલિક રમેશભાઈએ આ સંસ્થા માટે 1100 જેટલી ગાયોનું હર્ટ બનાવવાનું પ્લાનિંગ કર્યુ છે. તેમજ વાછરડાને નંદી બનાવી લોકો ખરીદી કરી શકશે અને સારું વળતર મળશે. આ નંદીના માધ્યમથી ગૌવંશના ઉત્પાદનમાં વાછરડી ઉત્પન્ન થશે તો તે રોગપ્રતિકારક શક્તિ અને વિવિધ પ્રકારની દૂધવાળી તૈયાર થશે. તેમાંથી પણ આગામી સમયમાં સારું વળતર મેળવી શકાશે.
નંદીને વિવિધ ખોરાક આપવામાં આવે છે
આ નંદીને ગોળ, અડદ, મગ, મકાઈ, જુવારનું ભડકું તૈયાર કરી દરરોજ સવાર-સાંજ આપવામાં આવે છે. આ ઉપરાંત જેઠી મધ, અશ્વગંધા અને શતાવરી પાવડર, કાલમેંધ, સોડાબાયકાર્બોડેડ, સિંધાલૂણ મીઠું જેવા આર્યુવેદિક દ્રવ્યો પણ ખવડાવવામાં આવે છે.