Home /News /rajkot /રાજકોટ: 'તું પૈસાવાળા બાપની દીકરી છો, તારો જ વાંક હશે એટલે મારો દીકરો બીજે જાય છે'
રાજકોટ: 'તું પૈસાવાળા બાપની દીકરી છો, તારો જ વાંક હશે એટલે મારો દીકરો બીજે જાય છે'
પ્રતીકાત્મક તસવીર
Rajkot domestic violence case: 'ઘર ચલાવવા માટે હું પતિ પાસે પૈસાની માગણી કરતી ત્યારે તેઓ કહેતા કે તું જાતે કમાઈને તારું કરી લે, આથી મારે ઘર ચલાવવા માટે પિયરથી પૈસા મંગાવવા પડતા હતા.'
રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં એક પણ દિવસ એવો નથી ઊગતો જ્યારે સ્ત્રીઓ ઉપરના અત્યાચારનો કિસ્સો સામે ન આવતો હોય. રાજકોટ શહેરના મહિલા પોલીસ મથક (Rajkot mahila police station)માં વધુ એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ શારીરિક માનસિક ત્રાસ (Domestic violence)ની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા માધવ પાર્ક-3માં એક વર્ષથી પોતાના પિયરમાં રહેતી ઈશિતા પરમાર નામની પરિણીતાએ પોતાના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'મારા બીજા લગ્ન 2017માં બીપીન પરમાર નામની વ્યક્તિ સાથે થયા હતા. મારા પતિના પણ આ બીજા લગ્ન હતાં. પતિના પ્રથમ લગ્ન તેમના શંકાશીલ સ્વભાવના કારણે જ તૂટ્યા હતા.'
યુવતીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, "વર્ષ 2017માં લગ્ન થયા હતા. થોડો સમય સુધી હું અને મારા પતિ, સાસુ-સસરા સાથે ગોખરવાળા રહ્યા હતા. ત્યારબાદ મારા પતિનું કામ સુરત હોવાથી અમે કામરેજ ખાતે રહેવા ગયા હતા. બે મહિના બાદ અચાનક મારા પતિનો મારા પ્રત્યેનો અભિગમ બદલાયો હતો. તેમના સ્વભાવમાં જ ધરમૂળથી ફેરફારો આવ્યો હતો. બે મહિના બાદ મારા પતિએ મારા ચારિત્ર્ય ઉપર શંકા કરી, અપશબ્દો બોલીને શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. કામરેજ ખાતે ગયા બાદ જ્યારે ઘર ચલાવવા માટે હું મારા પતિ પાસે પૈસાની માગણી કરતી ત્યારે તેઓ કહેતા કે, તું જાતે કમાઈને તારું કરી લે. જેથી મારે ઘર ચલાવવા માટે પિયરથી પૈસા મંગાવવા પડતા હતા."
"લગ્નના એક વર્ષમાં જ વર્ષ 2018 મારી કૂખે પ્રથમ સંતાન તરીકે પુત્રનો જન્મ થયો. તેમ છતાં મારા પતિના વ્યવહારમાં કે મારા સાસરિયાના વ્યવહારમાં કોઈ પણ ફેરફાર જોવા ન મળ્યો. મારા પતિના બદલાયેલા સ્વભાવની તપાસ કરતા મને જાણવા મળ્યું કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. બીજી તરફ મારા સસરા પણ મને કહેતા હતા કે, તું પૈસાવાળા બાપની દીકરી છે. શહેરની છોકરીઓ સારી ન હોય તેમ કહી મને અપશબ્દો પણ કહેતા હતા."
"મારા પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની વાત મેં મારા સસરાને કરી ત્યારે તેઓએ તેમના પુત્રનું ઉપરાણું તાણતા કહ્યું હતું કે, તારામાં જ વાંક હશે એટલે જ મારો દીકરો બીજે જાય છે. મારા પતિ, સાસુ-સસરાના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને હું છેલ્લા એક વર્ષથી મારા પિયર આવી છું. આખરે કંટાળીને મારે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે."