Rajkot Earthquake: હવે રાજકોટમાં પણ ધરા ધ્રુજી ઊઠી હતી. ત્યારે રાજકોટવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં પણ ગઈકાલે ભૂકંપના આંચકાઓ આવ્યા હતા.
રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના સમાચાર આવતા રહે છે. પહેલાં તુર્કી અને સિરિયામાં જોરદાર ધરતીકંપ આવ્યો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને હવે રાજકોટમાં પણ ધરા ધ્રુજી ઊઠી હતી. ત્યારે રાજકોટવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
બપોરે રાજકોટની ધરા ધ્રુજી
રાજકોટમાં બપોરે 3.21 વાગતા ભૂકંપનો આંચકો આવતા રાજકોટવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 જેટલી નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 270 કિલોમીટર દૂર નોર્થવેસ્ટમાં નોંધાયું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, 10 કિલોમીટર ઊંડે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દેશમાં અનેક જગ્યાએ ધરતીકંપ
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. દિલ્હીથી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત નેપાળમાં ગયા બુધવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા નોંધાયા હતા. તેમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની 4.8 જેટલી તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આંચકા હળવા હોવાથી જાનમાલને ક્યાંય નુકસાન થયું નથી.